વલસાડના પુસ્તક પરબ દ્વારા ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી શરૂ કરાઈ: વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસના પુસ્તકો સાથે ઈતર વાંચનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના પુસ્તક પરબ દ્વારા કપરાડાના ચાંદવેંગણ અને ધરમપુરના વાઘવડ ખાતે બે શૈક્ષણિક સંસ્થામાં પુસ્તકો ભેટમાં આપી નાનકડી લાયબ્રેરી ઉભી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અભ્યાસના પુસ્તકો સાથે ઈતર વાંચન કરે એ માટે પુસ્તકો પૂરાં પાડવામાં આવ્યા હતા. વલસાડના લોકોના પુસ્તક વાંચન રસને પોષવા માટે પુસ્તક પરબ દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે બે જાહેર સ્થળોએ પરબ યોજવામાં આવે છે. આ પુસ્તક પરબ દ્વારા કપરાડાના ચાંદવેંગણ ખાતે વનાંચલ પ્રાથમિક શાળા અને ધરમપુરના વાઘવડ ખાતે સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં અનુક્રમે ૧૦૧- ૧૦૧ પુસ્તકો થકી લાયબ્રેરી ઉભી કરી આપવામાં આવી છે. કોકિલાબેન વ્યાસ દ્વારા સંચાલિત વનાંચલ પ્રાથમિક શાળા, ચાંદવેંગણમાં મહેશભાઈ ગાંવિત (સીઆરસી), આચાર્ય રમેશભાઈ વળવી તથા શાળા પરિવારનો સહકાર મળ્યો હતો. વલસાડના માતૃભૂમિ સેવા કેન્દ્ર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ફૂલેત્રા અને સભ્ય જયંતીભાઈ મિસ્ત્રીના સહકાર અને સુનિલભાઈના આયોજનથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પુસ્તકો ખરીદવામાં આર્થિક સહાય ડૉ.સુધીર જોશી, હેમંત ગોહિલ અને ગીરીશભાઈ પટેલ તરફથી મળી હતી.

વલસાડ પુસ્તક પરબના પ્રણેતા ડૉ.આશા ગોહિલે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન જ ઈતર વાંચનનું મહત્વ સમજાવ્યું હતું. કપરાડાની એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્ય વસંતકુમાર પાઠકે પુસ્તકો એ આપણા સાચા મિત્રો છે એ ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું. પુસ્તક પરબ વલસાડ ટીમના સભ્ય દિલીપ દેસાઈએ પુસ્તકો જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે એવુ જણાવ્યું હતું. દેવરાજબાપા કરડાણીએ જીવનના દરેક તબક્કે પુસ્તક તમને સાથ આપશે, માર્ગ ચીંધશે એમ જણાવ્યું હતું. સૌરભ પટેલે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસક્રમના પુસ્તકો તો ખરાં જ પરંતુ દુનિયાની માહિતી આપતા અનેક વિષયના પુસ્તકોનું વાંચન કરવા જણાવ્યું હતું. હાર્દિક પટેલે મહાનુભાવોના ઉદાહરણ થકી વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચી ઉચ્ચ કારકિર્દી હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા. જયંતી મિસ્ત્રીએ યોગ્ય ઉદાહરણ થકી પુસ્તકનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું.

મહેશ ગાંવિતે પુસ્તકો આપણા જીવનને બદલે છે પુસ્તકોના વાંચનથી આવતાં બદલાવ વિશે વાત કહી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરો પાડનારો તથા માર્ગ ચીંધનારો બની રહ્યો હતો.

પુસ્તક પરબ ગ્રૂપના આશા ગોહિલ, જયંતી મિસ્ત્રી, હાર્દિક પટેલ, અર્ચના ચૌહાણ, સુનિતા ઢીંમર, જગદીશ આહીર, ટીના પટેલ, હિતેશ પટેલ તથા અન્ય સભ્યોની મદદથી આ પરબ સાકાર થઈ હતી. આ અગાઉ બોપી તથા પિંડવળમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!