વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિર યોજાશે: ગત વર્ષે પંદરમી ઓગસ્ટે ૧૫૦૧ બ્લડ બેગ એક્ત્ર કરી ઈતિહાસ રચ્યો હતો: રક્તદાતાઓને રક્તદાન કરવા માટે વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે અપીલ

ગુજરાત એલર્ટ | વલસાડ
દેશની આઝાદીનો મહાપર્વ તરીકે ઉજવાતા સ્વાતંત્ર્ય પર્વ ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે ત્યારે દેશભક્તિના આ પર્વમાં ‘‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ની ઉક્તિને સાર્થક કરવાના શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ને ગુરૂવારના રોજ મહારક્તદાન શિબિરનું આયોજન વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર મોંઘાભાઈ હોલ ખાતે કરવામાં આવ્યું છે.
ગત ૧૫ ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહારક્તદાન શિબિરનો શુભારંભ કરાવી રક્તદાતાઓનો પ્રોત્સાહિત કર્યા હતા. એક જ દિવસે અને એક જ સ્થળે યોજાયેલી આ મહારક્તદાન શિબિરમાં ૧૫૦૧ બ્લડ બેગ એક્ત્ર કરી વલસાડમાં ઈતિહાસ રચાયો હતો, ત્યારે આ પંદરમી ઓગસ્ટે પણ વધુમાં વધુ રક્તદાન થાય તે માટે ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા લોકોમાં ‘‘રક્તદાન એ જ મહાદાન’’ની ઉક્તિ સાર્થક કરવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ વખતની રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને ગ્રીન વલસાડની ઝલક સાથે તેઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે પીવીસી એયર ટાઈટ કન્ટેનરના 11 kg, 7 kg અને 5 kg ના ત્રણ પીસ આપવામાં આવશે. આ સાથે પાણીની બોટલ, છોડ અને ચકલીઘર પણ ભેટરૂપે આપવામાં આવશે.
ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન માટે રક્તદાતાઓએ www.umiyasocialvalsad.org પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રકતદાતાઓને વિનંતી છે કે, તમે તમારા અનુકૂળ સમયે બ્લડ આપવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરી ટાઇમનો સ્લોટ બુક કરાવી દેજો. રજિસ્ટ્રેશન કરાવશો એના બીજા જ દિવસે વોટ્સએપ દ્વારા કન્ફર્મેશન મેસેજ આવી જશે. જે રક્તદાતાઓને ઓનલાઈન રજિસ્ટ્રેશન ન ફાવે તેમણે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન મો.નં. 7567566333 ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!