ગુજરાત એલર્ટ l આહવા
વારલી ચિત્રકળા સંવર્ધન ગ્રુપ અને ચિત્ર શિક્ષક મહામંડળ, ગુજરાત રાજ્ય તથા DOMS LTD., ઉમરગામ કંપનીનાં સૌજન્યથી, ડાંગ જિલ્લાના બીલીઆંબા અને જામન્યામાળ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં 50 થી વઘુ યુવા વિધ્યાર્થીઓ માટે વારલી ચિત્રકળાના વિનામૂલ્યે વર્કશોપનુ આયોજન કરાયુ હતુ.
વર્કશોપનો મુખ્ય હેતુ વારલી ચિત્રકળાના વિચાર વિસ્તાર તથા યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિની ખીલવણી કરી તેને પ્રોત્સાહન પુરુ પાડવુ, તથા ભવિષ્યમાં તેઓ વારલી ચિત્રકળા ક્ષેત્રે વ્યવસાયિક કૌશલ્ય કેળવી આર્થિક રીતે પગભેર થાય તે માટેનો હતો.
વર્કશોપની શરુઆતમાં તજજ્ઞ યોગેશભાઈ ચૌધરી દ્વારા વિધ્યાર્થીઓને વારલી ચિત્રકળાનાં ઈતિહાસ, તેની પધ્ધતિ તથા લાક્ષણિકતાની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. તેમજ તજજ્ઞ મહેશભાઈ ચૌધરી દ્વારા માનવ આક્રુતિઓની વિવિધ લાક્ષણિક મુદ્રાઓનું પાયાગત આકારોનું રેખાંકન તથા તજજ્ઞ અનિલભાઈ ચૌધરી દ્વારા પશુ, પક્ષી, ઘર અને વ્રુક્ષનાં આકારોનું રેખાંકન શીખવવામાં આવ્યુ હતું.
વારલી ચિત્રની લાક્ષણિકતાઓ અને કલર સ્કીમની માહિતી આપ્યા બાદ આદિવાસી કે ગ્રામ્ય જનજીવનનાં નાના-નાના પ્રસંગો, ક્રીયાઓ, ઉત્સવ, વારતહેવાર દ્રશ્યોને આવરી લેતાં ચિત્રોનું સર્જન કરાવી, અને તેમાં સફેદ રંગો દ્વારા સંપુર્ણ અને આકર્ષક વારલી ચિત્ર બનાવવાનું શીખવવામાં આવ્યુ હતું. તજજ્ઞઓ દ્વારા વારલી ચિત્રની પાયાની સમજ અને પ્રાયોગિક કાર્ય દ્વારા વિધ્યાર્થીઓને વારલી ચિત્રકળા સંદર્ભે માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતું. DOMS LTD. કંપની ઉમરગામ દ્વારા હાજર તમામ વિધ્યાર્થીઓને ડ્રોઈંગ કીટ પણ આપવામા આવી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય પ્રમુખ વિપુલભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ પટેલ, સિનિયર આર્ટિસટ DOMS LTD. કંપની ઉમરગામ તેમજ વારલી ચિત્રનાં તજજ્ઞ તરીકે મહેશભાઈ ચૌધરી, વારલી આર્ટિસ્ટ, વેડછી (વાલોડ) જિ.તાપી, અનિલભાઈ ચૌધરી, ઉપ શિક્ષક, તડકેશ્વર કન્યા શાળા, તા.માંડવી જિ.સુરત, યોગેશભાઈ ચૌધરી, વ્યારા, જિ.તાપી, (વારલી ચિત્રકળા સંવર્ધન ગ્રુપ) વ્યારા-તાપી ઉપસ્થિત રહ્યા હતા.