અમદાવાદ:કોરોના આફત શાંત પડતા મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતની રાજનીતિમાં નવો ભૂકંપ સર્જાયો છે, મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચના જરૂરી બની ગઈ છે, જો કે, સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટેજે નવી સરકાર રચાશે તેના માંથે જવાબદારીનો ભાર કંઈ ઓછો નથી પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ તમામ જ્ઞાતિ સમુદાયને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેમને ધારી સફળતા મળી ન હતી, વિવિધ જ્ઞાતિ જૂથો સમયાંતરે પોતાની નારાજગી પ્રગટ કરવામાં અને સરકાર પર દબાણ ઊભું કરવામાં સફળ રહ્યા હતા, ત્યારે હવે નવી સરકાર પર પાટીદારો, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમુદાયને વિશ્વાસમાં લઈને સાથે જાળવી રાખવાનો પડકાર ઊભો છે. નવી ઊંચાઈએ લઈ જવાનો પડકાર રહેશે ભાજપમાં એ પરંપરા રહી છે કે, સરકાર અને સંગઠન વચ્ચે હંમેશા તાલમેલ જળવાઈ રહ્યો છે, સરકાર પોતાની લોકનીતિઓને એ રીતે લાગુ કરે છે સંગઠનમાં જરા પણ ડેમેજનો સામનો ન કરવો પડે ત્યારે નવા સીએમ પર સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવી રાખવાનો અને તેને નવી ઊંચાઈએ લઈ જવાનો પડકાર રહેશે
વિજય રૂપાણી પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું એ બાબત વિજયભાઈ ક્યાંક નબળાં પડ્યા હોઈ શકે તેની તરફ ઈશારો કરી રહી છે, ખાસ કરીને વિરોધપક્ષના પ્રહારને ખાળવામાં વિજયભાઈ ક્યાંક ઉણાં ઉતર્યા હોવાનું ભાજપ હાઈકમાન્ડને લાગ્યું છે, સરકારની નિષ્ફળતાની વાત જનતા સુધી લઈ જવામાં અને જનતામાં રોષ ફેલાવવામાં કોંગ્રેસ ઘણી સફળ રહી છે, અધૂરામાં પૂરું હવે રાજ્યમાં આપ ધીમાં પગલે પ્રવેશ કરીને પોતાની રણનીતિ વિસ્તારી રહી છે, ત્યારે હવે નવી સરકાર પર વિરોધપક્ષી રણનીતિને ધ્વસ્ત કરવાનો મોટો પડકાર મોં ફાડીને ઊભો છે
કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી સામે ઘણા સવાલો પેદા થયા હતા, કોરોનાનો સામનો કરવામાં ઘણી બધી ભૂલો રહી ગઈ હતી, એક તબક્કે તો રાજ્યમાં અંધાધૂધી અને અરાજકતા જેવો માહોલ સર્જાયો હતો, લોકો ભાજપના નેતાઓ સામે ખુલ્લેઆમ રોષ ઠાલવી રહ્યા હતા, સરકાર કંઈ જ કરી રહી નથી તેવી છાપ ઊભી થઈ હતી, સરકારે જેટલા પ્રયાસ કર્યા તેનો લાભ એનકેશ કરવામા ભાજપને સફળતા મળી નહોતી, ત્યારે હવે નવી સરકાર સામે કોરોનાની ત્રીજી સંભવિત લહેરમાં બીજી લહેર જેવી અંધાધૂંધી ન સર્જાય તેનો પડકાર મોં ફાડીને ઊભો છે
વિજયભાઈ રૂપાણીએ બધા ધારાસભ્યોનો સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાં તેમાં બહુ સફળતા મળી નહોતી, સમયાંતરે કેટલાક ધારાભ્યોની નારાજગી સામે આવતી રહેતી હતી, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવ હોય કે, ભાવનગરના પુરષોતમ રૂપાલા હોય કે, પછી સાવલીના કેતન ઈનામદાર હોય આ બધા ધારાસભ્યો પોતાના કામ નહીં થતાં હોવાની ફરિયાદ કરી ચૂક્યા હતા, એટલું જ નહીં સરકારમાં અધિકારીરાજનો આક્ષેપ કરી ચૂક્યા હતા ત્યારે હવે નવી સરકાર સામે આંતરિક મતભેદ અને અધિકારીરાજના આક્ષેપો ઊભા ન થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો પડકાર ઊભો છે.રાજ્યમાં સરકારે બજેટમાં બે લાખ યુવાનોને રોજગારીનો વાયદો કર્યો હતો પરંતુ કોઈને કોઈ કારણસર ભરતીપ્રકિયા પૂર્ણ થઈ શકી નથી, જ્યાં ભરતી પ્રક્રિયા થઈ છે ત્યાં નિમણૂંકો આપવાની હજુ બાકી છે આ બાબતોને લઈને યુવાનોમા સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે નવી સરકાર સામે બેરોજગાર યુવાનોના ગુસ્સાને ખાળવાનો પડકાર મોં ફાડીને ઊભો છે રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં અસંતોષ તો દરેક સરકાર વખતે જોવા મળ્યો છે, પરંતુ ભાજપની રૂપાણી સરકાર સામે સરકારી કર્મચારીઓનો રોષ વધારે જોવા મળ્યો હતો, સરકારી કર્મચારીઓના વિવિધ સંઘો, મહાસંઘો અને મહામંડળો અવારનવાર હડતાલનું શસ્ત્ર ઉગામી ચૂક્યા છે, અને છેલ્લા બે વર્ષથી આરોગ્યખાતાના કર્મચારીઓનો અસંતોષ વધારે ઉગ્ર બની રહ્યો છે ત્યારે નવી સરકાર સામે સરકારી કર્મચારીઓનો રોષ શમાવવાનો પડકાર ઝળુંબી રહ્યો છે આમ હવે રાજ્યમાં નવા સીએમ અને નવી સરકાર આ તમામ નવા પડકારોનો સામનો કઈ રીતે કરે છે અને રાજ્યની જનતા અને ભાજપના મોવડીઓને કઈ રીતે ખુશ રાખી શકે છે તે જોવું રહ્યું