આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો: ભરમોરના ઇતિહાસમાં પ્રથમ વખત આવો યજ્ઞ થયો હોવાનું જણાવતા સ્થાનિક ભુદેવ સુમાનજી શર્મા

ગુજરાત એલર્ટ । ખેરગામ
પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી. તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા.
ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા.
પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો. શ્રુષ્ટિ પટેલે એકપાત્રિય અભિનય થકી જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપી હતી. રિદ્ધિ પટેલ અને દર્શના પટેલે ભગવાન શ્રીકૃષ્ણ અને શિવના પરિવેશમાં નૃત્ય કર્યું હતું.
આ યજ્ઞના આયોજન માટે આવેલા શિવભક્તોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞ આચાર્યોને પણ દાન-દક્ષિણા આપી સન્માનિત કરાયા હતા.
મોક્ષધેનુ ગાયનું દાણ અને પૂજા કરવાથી નર્ક યાતના ભોગવવી પડતી નથી જેથી શિવ પરિવારે ચાંદીની મોક્ષધેનુ ગાયની પૂજા કરી તેનું દાન કર્યું હતું.
આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ સૌની ઉપર ભગવાનની કૃપા બની રહે અને આત્માઓનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જીવનમાં વિવિધ પ્રકારના પાપ થાય છે, જેમાં શારીરિક પાપ જમા થાય છે, જ્યારે માનસિક પાપ જમા થતું નથી જેથી તે ભોગવવું પડતું નથી, સાચી સાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તિ સાર્વત્રિક સુખ આપે છે. મૃત્યુ લોકમાં ક્યાંય પણ મૃત્યુ થાય તેની આત્મા ભરમોર ધર્મરાજ મંદિરમાં આવે છે. પિતૃ આપણને કોઈ દિવસ દુઃખી કરતા નથી, આપણા પિતૃઓ ની આત્માની તૃપ્તિ માટે તર્પણ કરવું જરૂરી છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલા કર્મનું ચક્રવૃધ્ધિ વ્યાજ મળે છે, તીર્થમાં પૂજા કરીએ ત્યારે લાખો ગણું પુણ્ય મળે છે, પણ આ ડુંગર ઉપર કરેલું સ્તકર્મ અમૂલ્ય ફળ આપે છે, કારણ કે, અહીં ભૂગર્ભમાં દેવી દેવતાઓનો વાસ છે. આપણે આ દિવ્ય અને શ્રેષ્ઠ ભૂમિ ઉપર આવ્યા છીએ ત્યારે બને એટલા સત્કર્મો કરી પુણ્ય કમાવાનો અવસર પ્રાપ્ત કરી લેવો જોઈએ. આજના યજ્ઞમાં ઉપસ્થિત રહેનારાની યમરાજાએ પરીક્ષા લીધી પણ તેમાં શિવ પરિવાર પાસ થઈ ગયો જે આપણા યજ્ઞની સફળતા જ છે. યજ્ઞના આચાર્યને પંડિત પણ કહેવાય છે, જે યજ્ઞના રાજા છે, જેમનું યોગ્ય સન્માન કરવું જરૂરી છે.
આ અવસરે ભુદેવ કશ્યપભાઈ જાનીએ જણાવ્યું હતું કે, યજ્ઞનું ઘણું મહત્ત્વ છે, અને આવી દિવ્યભૂમિ ઉપર યજ્ઞ માટે પરભુદાદાના આશીર્વાદ અને પિતૃઓની કૃપાથી આવ્યા છે. એમાં પણ પિતૃઓની અસીમ કૃપા હોય તેઓજ એમાં ભાગ લઈ શકે છે. અહીં યજ્ઞમાં ભાગ લેનારા ઉપર યમરાજા તો પ્રસન્ન થશે જ પણ તમારા પિતૃઓ પણ તૃપ્ત થશે. શાસ્ત્રમાં ચતુર્દશ યમ બતાવ્યા છે, માણસને લેવા યમરાજા નહિ તેમના દૂત લેવા આવે છે. યમયજ્ઞ કરવાની શરૂઆત પરભુદાદાએ કરાવી હતી. જ્યાં સુધી આપણે પવિત્ર ન હોઈએ ત્યાં સુધી યજ્ઞમાં બેસવા માટે લાયક બનતા નથી. અક્ષય તૃતીયાના દિવસે કરેલા દાનનો કોઈ દિવસ ક્ષય થતો નથી.
ભરમોરના સુમનજી મહારાજે શુભાષિશ પાઠવતાં જણાવ્યું હતું કે, પરભુદાદા સારા વિચાર લઈને યજ્ઞ કરવા માટે તીર્થસ્થાનમાં લઈને આવ્યા છે, એ સૌનું સૌભાગ્ય છે. તીર્થોમાં સ્નાન કરવાથી આપણાથી થયેલા પાપનો નાશ થાય છે. બ્રહ્માણી માતાની જીવન કથની અને તેનો મહિમા વર્ણવ્યો હતો. ભરમોરના ઇતિહાસમાં પ્રથમ વખત આવો યજ્ઞ થયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ભગવાન યમરાજને પ્રસન્ન કરવા માટે આ પ્રકારના હવનનું આયોજન કરવામાં આવે છે. જીવનમાં જે પણ ખરાબ કર્મો કર્યા હોય તેમાંથી મુક્તિ મેળવવા, વંશમાં વૃદ્ધિ કરવા અને મૃત્યુ પછીના ખરાબ કર્મોમાંથી શાંતિ મેળવવા અને ખરાબ કર્મોને કારણે આવતી કઠોર યાતનાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ હવન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે વિશ્વમાં યમરાજ એટલે કે ધર્મરાજનું એકમાત્ર મંદિર ભરમૌરના આ ચોરાસી મંદિર પરિસરમાં છે. તેથી અહીં આ હવન કરવું વધુ ફળદાયી છે. તેમણે કહ્યું કે માણસે પોતાના જીવનમાં હંમેશા એવા સારા કાર્યો કરવા જોઈએ જે માનવતા માટે ફાયદાકારક હોય.
પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમારે યજ્ઞમાં ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.
આ અવસરે પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઇ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ, અજયભાઇ પટેલ, મયંકભાઇ બ્રહ્મભટ્ટ, ઠાકોરભાઇ પટેલ, મયૂરભાઇ પટેલ, ઝીકુભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ, વિપુલભાઇ પાંચાલ, જયેશભાઇ પટેલ, ભરતભાઇ દેસાઇ, કાંતિભાઈ દમણિયા સહિત ગુજરાત-મહારાષ્ટ્ર શિવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!