વલસાડના અતુલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા હર્ષોલ્લાસભેર સ્વાગત કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ તાલુકાના અતુલ ખાતે પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રથનું કુમકુમ તિલકથી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.લાભાર્થીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને તે માટે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ પ્રથમ ચરણ છે. જેથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો તમામ ગરીબો અને વંચિતો લાભ લે એ મહત્વનું છે. આપણે વિકસિત થશુ તો આપણો દેશ વિકસિત બનશે. વધુમાં પ્રમુખશ્રીએ કોરોના કાળમાં આરોગ્ય કર્મીઓએ બજાવેલી કામગીરીને બિરદાવી આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને વૃધ્ધ પેન્શન યોજના સહિતની વિવિધ યોજના વિશે સવિસ્તાર માહિતી આપી સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યના લાભાર્થીઓ સાથે કરેલા ઈ-સંવાદને નિહાળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ અન્વયે ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ અંતર્ગત મિશન મંગલમ યોજના, કિશોરી યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાથી થયેલા લાભો અંગે સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સ્થળ ઉપર સરકારની મહત્વપૂર્ણ ૧૭ યોજનાઓ વિશે સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ટીબી અને સિકલસેલ સહિત વિવિધ બિમારી અંગે ૧૦૯ લોકોએ આરોગ્યલક્ષી સારવાર અને માર્ગદર્શન મેળવ્યું હતું. અતુલ ગ્રામ પંચાયતે જલ જીવન મિશન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને આડીએફ પ્લસ માં ૧૦૦ ટકા સિદ્ધિ મેળવતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. પશુપાલન ખાતા દ્વારા ૩૦ પશુઓને વેક્સિન પણ મુકવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સુનિતાબેન હળપતિ, ગામના સરપંચ વિક્રમભાઈ નાયકા, ઉપસરપંચ દર્શિલ દેસાઈ, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જિનેશ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ કિશોરભાઈ પટેલ તેમજ ગામના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!