ગુજરાત એલર્ટ । વલસાડ
સત્યાગ્રહની સ્મૃતિઓને સંગ્રહીને બેઠેલા વલસાડ તાલુકાના ધરાસણા ગામની પૂણ્યભૂમિ પર રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે રૂ. ૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિમિર્તિ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યુ હતું.
ભારતની આઝાદીના અમૃત કાળમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓ અંગે છેવાડાના માનવી સુધી જાગૃતિ કેળવાય અને ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે માહિતીસભર આધુનિક રથ સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં આવી પહોંચતા મંત્રીશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને સંબોધીને જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબ પરિવારમાંથી આવ્યા હોવાથી ગરીબીને સારી રીતે જાણે છે, ગરીબોના કલ્યાણ માટે તેઓ હંમેશા ચિંતિત રહે છે. આજે તમારા ગામમાં મોદી સરકારની ગેરંટી વાળો રથ આવી પહોંચ્યો છે. જેના દ્વારા જે પણ ગરીબ અને વંચિત હોય તેને સરકારની યોજનાના લાભ ઘર આંગણે મળશે. પહેલા દિલ્હીથી ૧ રૂપિયો મોકલાતો હતો તે લાભાર્થી સુધી પહોંચતા માત્ર ૧૫ પૈસા થઈ જતો હતો. વચ્ચેના ૮૫ પૈસા વચેટીયા હજમ કરી જતા હતા. તેઓને નાબૂદ કરવા વડાપ્રધાનશ્રીએ તમામ લોકોના બેંકમાં જન ધન ખાતા ખોલાવ્યા હતા. હવે દિલ્હીથી નીકળેલો ૧ રૂપિયો પુરેપુરો લાભાર્થીના ખાતામાં ડીબીટીથી જમા થાય છે. જે રીતે આપણે આપણા ઘરને સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ તેમ આપણા ગામ અને દેશને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. જે માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલુ સ્વચ્છ ભારત અભિયાન આજે જન આંદોલન બની ચૂક્યું છે. આજે અહીં વિકસિત ભારતના સંકલ્પની સાથે પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ અંગે પણ તમામે સંકલ્પ લેવાનો છે. જન જનના આરોગ્યની પ્રધાનમંત્રીશ્રીએ ચિંતા કરી વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરી છે. આજે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર માટે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. આયુષ્યમાન કાર્ડ આજે સંજીવની બુટી સમાન છે. જેથી જે લોકોના પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તે લોકો આજે જ અહી રથ આવ્યો છે તો તુરંત આયુષ્યમાન કાર્ડ કઢાવી લે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેતીને આધુનિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ વડાપ્રધાનશ્રીએ નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેક્નોલોજી અમલમાં મુકી છે. જેથી ખેડૂતનો શ્રમ, પૈસા અને સમય પણ બચશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, નાની દાંતી- મોટી દાંતી ગામમાં દરિયાના પાણીને અટકાવવા માટે સમુદ્ર કાંઠાનું ધોવાણ અને ખારૂ પાણી ગામમાં આવતા અટકશે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ગરીબોના મસીહા છે, દેશની જનતા એ જ એમનો પરિવાર છે. તેમણે સરકારી યોજનાનો લાભ ગરીબો અને વંચિત સુધી પહોંચે તે માટે જ આ યાત્રા શરૂ કરાવી છે. ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ નવી ઉંચાઈ સર કરી રહ્યો છે. વર્ષ ૨૦૪૭ માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થશે ત્યારે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બની ચૂક્યો હશે તે દિશામાં પ્રયાણ માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી છે. જેના દ્વારા લોકોને સરકારી યોજનાના લાભ ઘર આંગણે મળી રહ્યા છે.
આ પ્રસંગે ધરાસણાના ગ્રામ સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતુ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેનાથી લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત થયા હતા. આધુનિક ખેતી માટે ગામના ખેડૂતોએ ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી નેનો યુરિયા છંટકાવનું ડેમોસ્ટ્રેશન નિહાળીને તેના લાભ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં ગ્રામજનોના આરોગ્યની તપાસણી, સ્થળ પર યોજનાઓનો લાભ, માહિતી અને ફોર્મ ભરવા સહિતની કામગીરીને પણ આવરી લેવામાં આવી હતી. લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કલ્યાણકારી યોજનાઓની માહિતી અને વડાપ્રધાનશ્રીનો પ્રેરક સંદેશ નિહાળ્યો હતો. આ પ્રસંગે વિકસિત ભારતના નિર્માણની ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ યોજનાકીય લાભાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ,જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, ડીસીએફ ઋુષિરાજ પુવાર અને ગામના સરપંચ જશુબેન વિજયભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વલસાડ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરીએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાગડાવડાના તલાટી મોહન શર્માએ કર્યુ હતું.