ગુજરાત એલર્ટ । વલસાડ
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત તા. ૧૫મી નવેમ્બરે દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી વલસાડ જિલ્લામાં આ યાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. આ યાત્રા ધરમપુર તાલુકાના તામછડી ગામમાં આવી પહોંચતા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં રથનું સ્વાગત કરી સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો.
આ પ્રંસગે આરોગ્ય ખાતાના કેમ્પમાં ૧૧૮, ટીબીની તપાસ ૭૫ અને ૨૭ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ‘‘માય ભારત’’ વોલન્ટીયર્સ અંતર્ગત ૮ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, ખેલાડીઓ, કલાકારો અને વિદ્યાર્થીઓ મળી કુલ ૧૨ લોકોનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ૨૨ લાભાર્થીઓના નવા આયુષ્યમાન કાર્ડ બનાવી વિતરણ કરવામાં આવ્યા હતા.
‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની ઉપરોક્ત યોજનાના લાભથી જીવનમાં થયેલા ફેરફાર અંગે સાફલ્ય ગાથા વર્ણવી હતી. ગામની શાળાના વિદ્યાર્થીઓએ ‘‘ધરતી કહે પુકાર કે…’’ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત અંગેના શપથ લીધા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે તે માટે ડ્રોનનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય નિર્મલા જાદવ, ધરમપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અપેક્ષાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય ધર્મુ બારિયા, વલસાડ જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ગણેશ બિરારી, ધામણી પીએચસીના મેડિકલ ઓફિસર ડો.રાહુલ ગાયકવાડ, ડો. જીનલ સુરતી અને વહીવટદાર રાયસિંગ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રા દરમિયાન જિલ્લામાં મહત્તમ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.