ગુજરાત એલર્ટ । વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વલસાડ તાલુકાના ગોરગામ ગામે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ રથ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના દેશના દરેક ખૂણે પહોંચાડી રહ્યા છે. ખુબ જ ઉપયોગી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે.
આ વેળાએ મેરી કહાની મેરી જુબાની હેઠળ સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન યોજના, પ્રાકૃતિક ખેતી, પૂર્ણા શક્તિ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના અને મિશન મંગલમ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મિશન મંગલમ્ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં ૪ લોકોએ ટીબીની અને ૧ વ્યક્તિએ સિકલસેલની તપાસ કરાવી હતી. કુલ ૨૩૨ લોકોએ હેલ્થ કેમ્પનો લાભ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ યોજનાઓના પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે…’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય ધવલભાઈ પટેલ, ગામના સરપંચ કૈલાસબેન સોલંકી, ઉપસરપંચ પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય વિનોદભાઈ પટેલ, બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર અભયભાઈ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીના કૃષિ વૈજ્ઞાનિક મિતેશ ગજ્જર, આઈસીડીએસના સુપરવાઈઝર ભારતીબેન અને ખેતીવાડી શાખાના આર.બી.પટેલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.