ગુજરાત એલર્ટ | ખેરગામ
ધરમપુરથી રાનકૂવા તરફ દારૂની હેરાફેરીની બાતમી મળતાં ખેરગામ પોલીસે વોચ ગોઠવી રૂમલાથી એક ટ્રેક્ટર ટેલર ઝડપી પાડ્યું હતું. આ બનાવમાં પોલીસે રૂ.2.57 લાખનો દારૂ, મોબાઇલ, ટ્રેક્ટર ટેલર અને સિમેન્ટના બ્લોક મળી રૂ.5.12 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. એ સાથે પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ખેરગામ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમી મળી હતી કે, એક નંબર વિનાના ટ્રેક્ટર ટેલરમાં દારૂનો જથ્થો ભરી ધરમપુરથી રાનકૂવા તરફ પસાર થશે. આ બાતમીના આધારે રૂમલા ગામેથી એક મહિન્દ્રા ટ્રેક્ટરના ચાલક હનુમાનારામ ઉર્ફે હનુ ડાલુરામ જાટ (માયલા) (ઉં.વ.21) (રહે. સેલવાસ સિવિલ હોસ્પિટલની પાછળ, મૂળ રહે. આરવા, ભીમગુડા સરવાના, સિતલવાના, સાંચોર, ઝાલોર, રાજસ્થાન)ને અટકાવી પૂછપરછ કરતાં દારૂ હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં પોલીસે રૂ.2,57,136 નો દારૂ, 1 મોબાઇલ કિં.રૂ.2000, ટ્રેક્ટર ટેલર કિં.રૂ. 2,50,000 તથા સિમેન્ટના બ્લોક નંગ-240 કિં.રૂ.3600 મળી કુલ રૂ.5,12,736નો મુદ્દામાલ કબજે કરી ચાલકની અટકાયત કરી હતી. જ્યારે મુદ્દામાલ ભરી આપનાર રૂપારામ માંગીલાલ જાટ (રહે., સેલવાસ સિવિલ હોસ્પિટલની પાછળ, મૂળ રહે., આરવા, ભીમગુડા સરવાના, સિતલવાના, સાંચોર, ઝાલોર, રાજસ્થાન)ને ખેરગામ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.