વલસાડ તાલુકાના ભાગડાવડા ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે, જે અન્વયે વલસાડના ભાગડાવડા ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને કુમકુમ તિલક કરી આવકાર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે સરકારની વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતિ આપી ગરીબો અને વંચિતોને યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત ભાગડાવડા ગ્રામ પંચાયતમાં સો ટકા જલ જીવન મિશન, પીએમ કિસાન સન્માન નિધિ, ડિજિટલાઇઝેશન લેન્ડ રેકર્ડ અને ઓડીએફ પ્લસની સિદ્ધિ બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલા, વિદ્યાર્થી, ખેલાડી અને સ્થાનિક કલાકાર મળી કુલ ૧૦ લોકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું હતું, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ લગાવ્યો હતો જેમાં ૨૩ લોકોએ ટીબીની અને ૫૮ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. કુલ ૧૫૩ લોકોએ હેલ્થ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત ઉજ્જવલા યોજના, બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ ધર્મેશ પટેલ, આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!