ગુજરાત એલર્ટ । વલસાડ
૨૬- વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કુલ સાત વિધાનસભા બેઠક પર થયેલા મતદાનની મત ગણતરીને હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
તા. ૪ જૂનના રોજ સવારે ૮ કલાકે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ થનારી મત ગણતરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી- વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહે મત ગણતરી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તમામ તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કરી મદદનીશ ચૂંટણી અધિકારી (એઆરઓ) ઓ તેમજ સંબંધિત સ્ટાફને મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
નિરિક્ષણ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ એઆરઓને હિટ વેવ સંદર્ભે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા ૫૦ વર્ષથી વધુના સ્ટાફના આરોગ્ય અંગે કાળજી રાખવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ એમ્બ્યુલન્સ અને મેડિકલ કિટ સહિતની સુવિધા પુરી પાડવા પર વિશેષ ભાર મુક્યો હતો.