ગુજરાત એલર્ટ । વલસાડ
મારી પાસે હૃદયરોગના આવતા અનેક દર્દીઓમાં 30 ટકા દર્દીઓ 40 વર્ષથી નીચેના છે. આધુનિક જમાનાની લાઇફ સ્ટાઇલના કારણે યુવાનોમાં હ્રદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે તેનાથી બચવા લાઇફ સ્ટાઇલમાં બદલાવ ખૂબ જરૂરી હોવાનું દિલ્હીના જાણિતા અને TEDX ના વક્તા ડો. મોહિત ગુપ્તાએ વલસાડ મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં રોટરી ક્લબ અને બ્રહ્માકુમારીઝ આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતુ.
તાજેતરમાં ગુજરાતભરમાં અનેક યુવાનો હૃદય રોગના આકસ્મિક હુમલાથી મોતને ભેટી રહ્યા છે. આવા બનાવો ન બને તેની જાગૃતિ ફેલાવવા માટે સ્વસ્થ હૃદય અને પ્રસન્ન મનનું રહસ્ય વિષય પર દિલ્હીના સિનિયર હૃદય રોગના નિષ્ણાત ડો. મોહિત ગુપ્તાના વક્તવ્યનું આયોજન કરાયું હતુ. જેમાં તેમણે હેલ્ધી લાઇફ સ્ટાઇલ અંગે વિગતવાર માહિતી આપી હતી. હ્રદયરોગ અંગે તેમણે સ્વસ્થ મન પર ખૂબ ભાર આપ્યો હતો. તેમણે દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, જો તમે શારિરીક રીતે સ્વસ્થ હોવ પરંતુ, તમે માનસિક રીતે ડિસ્ટર્બ હોવ, ત્યારે તમને કંઇ પણ કરાવાનું મન થતું નથી. તમે આનંદીત રહી શકતા નથી, પરંતુ તમે શારિરીક રીતે થોડા બિમાર હોવ, પરંતુ તમે માનસિક રીતે ખૂબ સ્વસ્થ હોવ તો તમે આનંદિત થઇ શકો છે અને તમે નાની બિમારીને અવગણી પોતાની મનપસંદ પ્રવૃત્તિ પણ કરી શકો છે. માટે સ્વસ્થ હ્રદય માટે પ્રસન્ન મન એક ગુરૂચાવી હોવાનું તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ.
આ સાથે તેમણે યુવાવસ્થામાં જ લાઇફ સ્ટાઇલ બેલેન્સ કરવાના સૂચનો કર્યા હતા. સાંજે 9 પછીના ભોજનને તેમણે ઝેર ગણાવ્યું હતુ. જો ના છૂટકે 9 પછી ભોજન કરવું પડે એવી પરિસ્થિતિ હોય તો, ભોજનમાં વધુને વધુ સલાડ અને ખીચડી જેવો હલકો ખોરાક લેવાનું તેમણે જણાવ્યું હતુ. આ સિવાય લાઇફ સ્ટાઇલમાં તેમણે બહારના ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનું સૂચન કર્યું હતુ. આ કાર્યક્રમમાં ડો. મોહિત ગુપ્તાનો પરિચય સીએ જીજ્ઞેશ વસાણીએ આપ્યો હતો. કાર્યક્રમમાં રોટરી પ્રમુખ મનિષ ભરૂચા અને બ્રહ્મા કુમારીઝના રંજન દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ હિતેશ મિસ્ત્રીએ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.