BAPS તિથલ સ્વામિનારાયણ મંદિર રજત જયંતિ નિમિત્તે ૨૫૨૫ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
આજે વિક્રમ સવંત ૨૦૮૧ વર્ષના પ્રથમ દિવસનો મંગલ પ્રારંભ ગોવર્ધનપૂજા અટલે કે અન્નકૂટ ઉત્સવની ઉજવણીથી ખૂબ હર્ષોલ્લાસ સાથે તિથલ સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ અન્નકૂટ તિથલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો માટે વિશિષ્ટ છે કારણ કે તિથલના દરિયાકાંઠે સ્થિત વલસાડનું નજરાણું સમાન આપણું તિથલ સ્વામિનારાયણ મંદિરના આ વર્ષે 25 વર્ષ પુરા થઈ રહ્યા છે.એ નિમિત્તે વિવિધ આયોજનો પૈકી અન્નકૂટનું અનોખું અને અનેરું મહત્વ છે.જેમાં આ વર્ષે ભગવાન સ્વામિનારાયણ તેમજ સનાતન ધર્મના મુખ્ય અવતારો ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી મહાદેવ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન હનુમાન તેમજ ગણપતિજી સમક્ષ ૨૫૨૫ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ વાનગીઓ વલસાડ તેમજ આજુબાજુના ગામડાઓથી સંતો હરિભક્તો દ્વારા શુદ્ધતા અને પવિત્રતાથી તૈયાર કરવામાં આવે છે. ભક્તિ અને સેવાના સમન્વયથી આ મહોત્સવ ખૂબ શાનદાર રીતે દર વર્ષે ઉજવાય છે.

આ અન્નકૂટની ઉત્સવ સભામાં સવારે 9:00 થી 11:00 સુધી હરિભક્તો સંગીત, નૃત્ય‌ અને કથાવાર્તાથી જ્ઞાન અને ભક્તિની વિશેષ દ્ઢતા કરી હતી. અને ત્યારબાદ સૌ અન્નકૂટ દર્શન માટે પધાર્યા હતા.

આ અન્નકૂટ ઉત્સવમાં ગુજરાત રાજ્યના પેટ્રો કેમિકલ્સ, ઉર્જા અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ક્લેક્ટર શ્રી નૈમેશ દવે, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ – ભાજપ જિલ્લા મહામંત્રી, જિતેશભાઈ પટેલ – વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ અન્ય વિશિષ્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા. સૌ ગોવર્ધન પૂજા તેમજ આરતીમાં સંમેલિત થયા હતા. તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. વિવેકસ્વરૂપ સ્વામીએ હાર પહેરાવી સૌનુ‌ સ્વાગત કર્યું હતું અને નવા વર્ષમાં સુખ, શાંતિ,સમૃદ્ધિ વધે અને જનહિત અને દેશહિતના ઉમદા કાર્યો થતાં રહે એવા આશીર્વાદ આપ્યા હતા. તિથલ સ્વામિનારાયણ મંદિરના સંતો – હરિભક્તો દ્વારા ભક્તિ ભાવથી 2525 વાનગીનો ભવ્ય અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણ એટલે કે અક્ષરપુરુષોત્તમ મહારાજના ચરણે ધરવામાં આવ્યો હતો. 2525 વાનગી બનાવવાની સેવામાં ધરમપુર, કપરાડાના આદિવાસી ભાઈ બહેનો પારંપરિક નાગલીના રોટલા, અડદ દાળથી લઈને વિવિધ પ્રકારની વાનગીઓનો રસથાળ અન્નકૂટ રૂપે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉત્સવમાં સવારે 11:00 વાગ્યેથી સાંજે 6:00 વાગ્યા સુધી આજુબાજુના વિસ્તારના 35,000 થી વધારે ભાવિક ભક્તોએ અન્નકૂટના દિવ્ય દર્શન કરી આશીર્વાદ અને મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!