રાજ્યના વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો: ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે, તેઓએ રિન્યુ કરાવવાના રહેતા નથીઃ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ મળશે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી વિજયદેવજી સ્પોર્ટ્સ સંકુલમાં પ્રધાનમંત્રી વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ રાજ્ય કક્ષાના વન પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ નાગરિકોને સંબોધીને જણાવ્યું કે, છેવાડાના માનવીના વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત રહે છે. આપ સૌ વડીલોના આશીર્વાદથી મોદીજી ત્રીજી ટર્મમાં આપ સૌની સેવા કરી રહ્યા છે. દરિદ્ર નારાયણની સેવા કરવી એ જ વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. આયુષ્યમાન કાર્ડ સહિત અનેક યોજના અમલમાં છે જેનો તમામે લાભ લેવો જોઈએ. પહેલાના સમયમાં સારવાર માટે ઘર, જમીન કે ઘરેણાં ગીરવે મુક્વા પડતા હતા પરંતુ હવે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટીના કારણે એક પણ રૂપિયો સારવાર માટે ખર્ચ કરવો પડતો નથી. આરોગ્ય ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી આવી રહી છે તેનો લાભ પણ નિઃશૂલ્ક દર્દીઓને મળી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે એવુ જણાવી મંત્રીશ્રીએ ૩ વર્ષ પૂરા થયા બાદ કાર્ડ સમય પર રિન્યુ કરાવી લેવાની પણ સલાહ આપી હતી. ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે. સિનિયર સિટિઝને કાર્ડ રિન્યુ કરાવવાના રહેતા નથી. જેથી વહેલી તકે કાર્ડ કઢાવી લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. જિલ્લામાં ૭૨ ટકા નાગરિકોને કાર્ડ આપવામાં આવ્યા છે. બાકી લોકોના પણ કાર્ડ કાઢી આપવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર તમારા ઘર આંગણે આવી છે ત્યારે કોઈ પણ લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે જાગૃત રહેવુ જરૂરી છે. આ સિવાય મંત્રીશ્રીએ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, નિઃશૂલ્ક અનાજ વિતરણ સહિત વિવિધ પ્રજાલક્ષી યોજનાનો ચિતાર આપ્યો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી વડીલોના આશીર્વાદ મેળવ્યા છે. જે લાભાર્થી કેમ્પમાં આવ્યા છે તે તમામને કાર્ડ મળશે.

વડાપ્રધાનશ્રીએ ગરીબ તવંગર કે જાતિ ધર્મના ભેદભાવ વગર માનવતાભરી આ યોજના દાખલ કરી છે જેનો તમામ લોકો લાભ લે એ જરૂરી છે. જિલ્લા આરસીએચચો ડો.એ.કે.સિંઘે જણાવ્યું કે, તમારા ઘર કે આસપાસ, મહોલ્લામાં જે પણ ૭૦ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને આ યોજનાનો લાભ અપાવી પુણ્યનું કાર્ય કરજો. આ કાર્ડ કઢાવવા માટે આવકની મર્યાદા દૂર કરતા માત્ર આધાર કાર્ડ આપવાથી જ કાર્ડ બની શકશે.
આ કેમ્પમાં સ્ટેજ પરથી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ૩૦ વરિષ્ઠ નાગરિકોને વય વંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મંત્રીશ્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. કેમ્પમાં ૩૭૦ લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓનું એનસીડી, ટીબી અને સિકલસેલનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર ભરત પટેલ, પાલિકાના ચીફ ઓફિસર વિજય ઇટાલિયા અને જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, ધરમપુર તાલુકા સંગઠન મહામંત્રી ધનેશભાઈ ચૌધરી, શહેર સંગઠન પ્રમુખ પ્રણવ શિંદે સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. કે.પી.પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ભાવેશ કાકલોતર અને વંદના ચૌહાણે કર્યું હતું.

આવક મર્યાદા દૂર કરાતાં મને પણ આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ મળ્યો
વલસાડ તાલુકાના ઓઝરપાડા ગામના નિશાળ ફળિયાના રહીશ અને આયુષ્યમાન વય વંદના કાર્ડના લાભાર્થી બાબુભાઇ ખાલપભાઈ પટેલ (ઉ.વ. ૭૨)એ જણાવ્યું કે, હું પેંશનર્સ છું જેથી મારો કાર્ડ બન્યો ન હતો પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હવે ૭૦ વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે આવકની મર્યાદા દૂર કરી માત્ર આધાર કાર્ડ રજૂ કરવાથી જ વય વંદના કાર્ડ મળશે તેવી યોજનાની જાહેરાત કરતા અમારા ગામની સ્કૂલમાં આરોગ્ય ખાતા દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ રજૂ કરવાથી મારો આયુષ્યમાન કાર્ડ બની ગયો હતો જેનું આજે મને અહીં મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ છે. હવે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર મને ફ્રી માં મળી શકશે જે બદલ હું વડાપ્રધાનશ્રી મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું.

૯૭ વર્ષીય મારી માતા પથારીવશ હોવાથી ઘરબેઠા અમને વય વંદના કાર્ડ કાઢી અપાયો
ધરમપુરના બજાર ફળિયામાં લક્ષ્મી નારાયણ મંદિર સામે રહેતા ૬૨ વર્ષીય જગદીશ ભોગીલાલ કંસારાએ જણાવ્યું કે, મારા માતા ધનગૌરીબેન ભોગીલાલ કંસારા હાલમાં ૯૭ વર્ષની ઉંમર ધરાવે છે. જેઓ પથારીવશ હોવાથી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આરોગ્ય કેન્દ્રમાં જઇ શક્યા ન હતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન વય વંદના યોજનાની જાહેરાત કર્યા બાદ આરોગ્ય ખાતાના કર્મચારીઓ અમારા ઘરે આવી માત્ર આધાર કાર્ડ દ્વારા મારી માતાશ્રીનો વય વંદના કાર્ડ બનાવી આપ્યો છે. જેથી મારી માતાની રૂ.૧૦ લાખ સુધીની કેશલેશ સારવાર મળી શકશે જે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.

જિલ્લામાં ૨૪૯૫૯ લાભાર્થીઓને વય વંદના કાર્ડ બનાવી આપવાનો લક્ષ્યાંક
વલસાડ જિલ્લામાં ૭૦ વર્ષ કે તેથી વધુ વયના ૨૪૯૫૯ લાભાર્થીઓના વય વંદના યોજના હેઠળ કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૩૪૨૭ને વય વંદનાના કાર્ડ આપવામાં આવ્યા છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાંથી આ કાર્ડ બનાવી શકાય છે. જે લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તેવો એ ફક્ત આધાર કાર્ડથી પોતાનું વય વંદનાનું કાર્ડ બનાવી શકે છે અને બીજા અન્ય ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. વલસાડ જિલ્લામાં કુલ ૧૬ ખાનગી હોસ્પિટલ PMJAY યોજનામાં એમપેનલમેન્ટ થયેલ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી ૯૯૦૬ વધારેના કલેઈમ થયા છે જે જેમાં ૭૪ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!