ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી ખાતે રેલવે સ્ટેશનની બાજુમાં વાલ્મિકી આવાસ ખાતે રૂ. ૧.૧૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત અને ચણોદ ખાતે રૂ. ૨૨ લાખના ખર્ચે તૈયાર થયેલા આયુષ્માન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષપદે યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી તાલુકા પંચાયતની બાજુમાં ૧૨૫ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં તૈયાર કરાશે. જે દેશનો નાગરિક સ્વસ્થ હોઈ તે જ દેશ પ્રગતિ કરી શકે છે. વડાપ્રધાનશ્રીએ આરોગ્ય કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખ આપી અને હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખ આપી છે. જે ખરેખર યથાર્થ છે. વધુમાં મંત્રીશ્રીએ સમગ્ર દેશને સ્વસ્થ અને સ્વચ્છ દેશ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, કનુભાઈ દેસાઈના પ્રયાસને કારણે આરોગ્ય મંદિરનો લાભ લોકોને મળશે. વાપી રેલવે સ્ટેશન બોરીવલી અને સુરત બાદ આવકની દ્રષ્ટીએ ત્રીજો નંબર ધરાવતું હોવાથી વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવામાં આવશે એવી ખાતરી કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીના સબળ નેતૃત્વમાં ગામડામાં શહેરી કક્ષાની આરોગ્યલક્ષી સુવિધાઓ મળતી થઈ છે. આરોગ્યના કર્મચારી પણ અહીં રહેશે અને આરોગ્યલક્ષી સેવા આપશે. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના એડીએચઓ ડો. વિપુલભાઈ ગામીતે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વાપી મામલતદાર કલ્પના પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.