વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ધરમપુર ખાતે આયુષ મેળો યોજાયો: આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની લોકોને અપીલ કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
“દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ” યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત વલસાડ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ વલસાડ દ્વારા મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પાવન પર્વે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધરમપુરના પ્રાંગણમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા લોકોને આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. આયુષ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત ઉર્મિલાબેન જી બિરારી ,અધ્યક્ષ શ્રી સિંચાઈ અને ખેતીવાડી વલસાડ, સોનલબેન પટેલ સીડીપીઓ ધરમપુર, પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઋષિત મસરાણી તથા અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સ્વાગત તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મનહરભાઈ ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળાનો વિગતવાર કાર્યક્રમ તેમજ જિલ્લામાં ચાલતી આયુષની પ્રવૃત્તિઓ અંગે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
આયુષ મેળામાં વિવિધ આયુર્વેદ પોષણયુક્ત આહાર પ્રદર્શન, આઈસીડીએસ શાખાના સહયોગથી વાનગી પ્રદર્શન, આયુર્વેદ હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન, યોગ પ્રત્યક્ષ નિદર્શન, આયુષ નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, પંચકર્મ દિનચર્યા, ઋતુચર્યા, આયુષ પ્રદર્શની, મર્મ ચિકિત્સા, સુવર્ણ પ્રાશન, ગર્ભીણિ અને સુતિકા માર્ગદર્શન, પુસ્તક અને વનસ્પતિ તેમજ રસોડાના ઔષધ પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા, યોગ સ્પર્ધા, પૌષ્ટિક વાનગી સ્પર્ધા, કલાત્મક યોગ નિદર્શન, સ્વસ્થ બાળ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઋતુ અનુસાર રોગપ્રતિકારક શક્તિવર્ધક હર્બલ ટીનું વિતરણ પણ સર્વે માટે કરવામાં આવ્યું હતું.
આ સર્વે કાર્યક્રમોમાં બાળકોએ તથા જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા મેળાની મુલાકાત લઇ સૌનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. મેળામાં મુકાયેલું વૃક્ષ સંવર્ધનીનું સેલ્ફી પોઇન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. દિવ્યા સોલંકી અને આભારવિધિ ડો. કેતન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. સર્વે મેડિકલ ઓફિસર સર્વે આયુષ મેડિકલ ઓફિસરો, સેવક અને યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા ખંતપૂર્વક આયુષ મેળામાં ફરજ બજાવી આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આયુષ મેળામાં ધરમપુર તાલુકાની જનતાએ બહોળા પ્રમાણમાં હાજર રહી મેળાનો લાભ લીધો હતો.

આયુષ મેળાના લાભાર્થીઓની આંકડાકીય વિગત
આયુર્વેદ સારવારના લાભાર્થી- ૪૧૦, હોમિયોપેથી સારવારના લાભાર્થી- ૩૪૦, હર્બલ ટી વિતરણનો લાભ- ૧૭૪૦, આર્સેનિક આલ્બમ વિતરણ- ૧૫૦, શંશમની વટી વિતરણ- ૨૧૦, સુવર્ણ પ્રાશન- ૧૭૫, ચાર્ટ પ્રદર્શન- ૨૮૦, વાનગી પ્રદર્શન- ૨૩૦, વનસ્પતિ પ્રદર્શન- ૨૪૦, રસોડાના ઔષધ પ્રદર્શન- ૨૧૦, યોગ પ્રદર્શન- ૪૩૦, પુસ્તક અને સંહિતા પ્રદર્શન- ૨૪૦, પ્રકૃતિ પરીક્ષણ- ૧૦૫, મર્મ ચિકિત્સા- ૪૫, પંચકર્મ ચિકિત્સા- ૫૦, અગ્નિ કર્મ- ૬૦, આયુષ પત્રિકા વિતરણ- ૫૫૦ અને આયુષ પ્રદર્શનીનો ૬૪૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!