ગુજરાત એલર્ટ | આહવા
ભારત સરકારશ્રી દ્વારા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩’ ની ઉજવણી “આયુર્વેદ ફોર વન હેલ્થ” ની થીમ, અને ‘હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ’ થીમ ઉપર સુબીર તાલુકાના બરડીપાડા ગામે વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને આયુષ મેળો યોજાયો હતો.
ડાંગ જિલ્લાની ભૂમિમા અનેક જડીબુટ્ટીઓ આવેલી છે. અહીં વિવિધ જગ્યાએથી લોકો આયુર્વેદિક ઉપચાર માટે આવે છે. ત્યારે લોકો દ્વારા પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામા આવે તે માટે સંસદ સભ્યશ્રી ડો. કે.સી.પટેલે આયુર્વેદિક દવાઓ અને દવાખાનાનો લાભ લેવા સ્થાનિક લોકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન એસ. ગાઇને આયુર્વેદિક દવાઓનુ મહત્વ સમજાવી, ડાંગ જિલ્લાના લોકોને આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવવાની સાથે, નવનિર્મિત આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રંસગે માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા સદસ્ય શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, આયુર્વેદિક દવાઓ લોકો માટે ઉપયોગી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશિલ રહી છે, ત્યારે શરીરની બીમારીના ઉપચાર માટે આયુર્વેદિક દવાઓનો જ ઉપયોગ કરવા માટે શ્રી ગાવિતે લોકોને આહવાન કર્યું હતુ.
જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય શ્રી મિલન એન. દશોંદીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ આહવા ખાતે ઉપસ્થિત આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
વિકાસશીલ તાલુકાની જોગવાઈ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ડાંગ જિલ્લામા ભગત મંડળીઓ માટે દવા બનાવવાના મશીન અને સાધન સામગ્રી માટેની યોજના અંતર્ગત ડાંગ જિલ્લા ભગત મંડળીઓને સાધન સહાયના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. તેમજ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની જોગવાઈ હેઠળ અને ૨૦૨૩-૨૦૨૪ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા જિલ્લા પંચાયત ખાતે પંચકર્મના સાધન અને ફર્નિચર માટેની સહાયના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.
ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામા આવી હતી. આયુષ મેળામા આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનુ નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદ શરબત, અને નાગલીના સુપનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ તમામ દર્દીઓને હોમિયોપેથિક દવાઓ વિતરણ કરવામા આવી હતી.
આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બી.બાગુલ, સુબીર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી પ્રીતિબેન ગામિત, માજી સરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન ગામિત, માજી કારોબારી અધ્યક્ષા ઉર્મિલાબેન ગામિત, સામાજિક કાર્યક્રમ શ્રી સુભાષભાઈ ગાઇન, સુબીર તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પૂનમબેન ડામોર, આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યશ્રીઓ, બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના આગેવાનો, સ્થાનિક લોકો વિગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.