વલસાડ : વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત વનરાજ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ધરમપુર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નાયબ પોલીસ અધિક્ષક મનોજસિંહ ચાવડા ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એન. ચાવડાએ પોલીસ મહિલાઓને કઇ રીતે મદદ રૂપ બની શકે તેની જાણકારી આપી મહીલાઓએ કોઇપણ વિકટ પરિસ્થિતિમાં ૧૦૦ નંબર ડાયલ કરવાથી પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પુરી પાડશે તેમ જણાવ્યું હતું. તેમણે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશેની જાણકારી પણ આપી અને તેનો ઉપયોગ કરવા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ જેવા ગંભીર ગુનામાં પોલીસ કઇ રીતે મદદરૂપ બની રહે તે વિશે માહિતી આપી તેમજ મહિલાઓને લગતા કાયદાઓમાં પણ પોલીસ વિભાગ મહિલાઓને તમામ પ્રકારની મદદ કરવા તત્પર રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મહિલા અને બાળ અધિકારીશ્રી એસ. આઇ. કણઝરીયાએ મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી તમામ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ મેડીકલ ઓફિસર ડૉ. નયન પટેલે આરોગ્યલક્ષી યોજનાઓ, જિલ્લા ફિલ્ડ ઓફિસરશ્રી ડૉ.પી.એમ.વાઘેલાએ બેટી બચાવો બેટી પઢાવો યોજના, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, જે.એચ. ચૌહાણે સમાજ કલ્યાણ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોબેશન ઓફિસર ધારાબેને પોક્સો કાયદા તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન વિશેની જાણકારી આપી તેનો ક્યારે ઉપયોગ કરવો તેની સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને એક્સપર્ટ દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વનરાજ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ધરમપુરના આચાર્ય, પ્રાધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને કોલેજની વિદ્યાર્થીનીઓ બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ મહિલા વિંગની અલગ અલગ યોજનાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.