કોર્ટ પરિસરમાં પાર્કિંગ બાબતે કોર્ટ ડ્યુટી પર રહેલા પોલીસ કર્મચારી પ્રભાતસિંહની વકીલ સાથે માથાકૂટ થઈ અને ડુંગરીથી આરોપી લઈને આવેલા પોલીસ કર્મચારી સુનિલ પાટીલ ચાલતી ગાડીમાં ચડી જઈ વકીલ સાથે બબાલ લઈ લીધી: હવે ભલામણ કરાવે
વલસાડ
વલસાડ કોર્ટ પરિસરમાં બે દિવસ પહેલા બાઇક પાર્કિંગ કરવાની બાબતે વકીલ ઉપર હુમલો કરી માર મારનારા બે પોલીસ કર્મચારીઓએ FIR થી બચવા ભલામણોનો દોર શરૂ કર્યો છે. જો કે વકીલોની આબરૂ દાવ પર લાગી હોય વકીલો કોઈપણ હિસાબે પોલીસની કર્મીની દાદાગીરી સામે અવાજ ઉઠાવી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવશે.
આ બનાવની મળતી વિગતો મુજબ ગત તારીખ 21. 05. 21 ના રોજ બિનવાડા ગામે રહેતા અને વલસાડ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ રાજેશભાઈ પટેલ તેમની બાઇક કોર્ટ પરિસરમાં પાર્કિંગ કરી હતી. સાંજે કોર્ટ પરિસરમાં ડ્યુટી કરતા પોલીસ કર્મચારી પ્રભાતસિંહ ઠાકોરએ રાજેશભાઈને તેમની બાઇક કાઢી લેવા કહ્યું હતું. પરંતુ ત્યાં જગ્યા ખાલી જ હોય રાજેશભાઈઆએ કોર્ટનું કામ પતાવીને પછી થોડી વારમાં કાઢી લઉં છું એમ કહ્યું હતું. જેથી પ્રભાતસિંહ ઠાકોર ઉશ્કેરાઈ જઈને રાજેશભાઈને ધક્કો મારી ગાળો આપી હતી. રાજેશભાઈને તમાચો મારી દેતાં અન્ય વકીલો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ડુંગરીથી આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ આવેલા પોલીસ કર્મચારી સુનિલ શિવરાજ પાટીલે ચાલતી ગાડીમાં ચઢી ગઈ જાણ્યા મુક્યા વિના એડવોકેટ રાજેશભાઈને ધક્કા મારી ગાળો ભાંડી હતી. સુનિલ પાટીલની કોર્ટ પરિસરમાં ડ્યુટી ન હતી, તે ડુંગરીથી આરોપીને લઇને આવ્યો હતો છતાં વકીલ સાથે બબાલ લઈ લીધી હતી.
આ બનાવના વલસાડના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વકીલોએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન અરજી આપી છે. પરંતુ 5 દિવસ વીતી જવા છતાં હજુ પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. આ બે પોલીસ કર્મચારીઓ પૈકી એકનો નિવૃત થવામાં એક મહિનો જ બાકી હોય પોલીસ ફરિયાદ ન નોંધાઇ તે માટે ભલામણો ચલાવી રહ્યા છે. વકીલ મંડળના પ્રમુખ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે વલસાડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પણ પોલીસ ફરિયાદ નોંધાવા સુચના આપી છે. વકીલોની આબરુનો સવાલ હોય કોઈપણ ભોગે પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી જ પડશે. પોલીસ કર્મચારી વકીલ પર હાથ ઉઠાવવામાં પણ અચકાતા ન હોય તો આમ આદમીની તો તેઓ શું હાલત કરતા હશે! ભવિષ્યમાં અન્ય લોકો સાથે પણ પોલીસ આવી રીતે ગુંડાગરદી ન કરે તે માટે પોલીસ સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની છે. કોઈપણ ભોગે અમે આ પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવીને જ રહીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી.