ગુજરાત એલર્ટ । વલસાડ
ધરમપુર- ઢોડિયા સમાજ સમસ્ત આમુ બાવીહા કૂળ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ રાનપાડા ધરમપુર યોજાયો હતો.
આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા સાથે સમાજ વિવિધ રીતે આગળ આવે એવો હતો. બરમદેવની આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ કરી, સમગ્ર કાર્યક્રમ ઢોડિયા બોલીમાં કરીને બોલીને જીવંત રાખવાનો પ્રયાસ થયો હતો.
બાવીસા પરિવારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વિવિધ ક્ષેત્રે અગ્રેસર સમાજના વડીલો, યુવકો, યુવતીઓને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.
આ અવસરે ધારાસભ્યે સંસ્કૃતિના જતન સાથે સમાજની પ્રગતિ માટે શિક્ષણ ખુબ જ મહત્વનું હોવાનું જણાવી, શિક્ષણ થકી જ સમાજની પ્રગતિ અને સામાજિક સમરસ્તા જળવાઇ તેમ જણાવી, સમાજના વિકાસ માટે સહયોગની ખાતરી આપી હતી.
કાર્યપાલક ઇજનેર અનિલભાઇ પટેલ પરિવાર આગળ વધી, સામાજિક-આર્થિક ઉત્કર્ષમાં ભાગીદાર બને તેવી ભાવના વ્યકત કરી હતી.
બાવીસા પરિવારના આગેવાન અંબુભાઇ પટેલે આદિવાસી સંસ્કૃતિની પરંપરાના જતન કરવા અનુરોધ કરી, આદિવાસી સમાજમાં પ્રકૃતિની મહત્તા સમજાવી હતી.
સરપંચ શ્રી વિજયભાઈ પાનેરીયા સહિત બાવીસા પરિવારના વડીલો, યુવાનો, બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, કાર્યક્રમને દિપાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન કાર્યપાલક ઈજનેર મનીષભાઈ બાવીસા અને રાનપાડા બાવીસા પરિવાર દ્વારા કરાયું હતું. અને સંચાલન માહિતી અધિકારી શ્રી ઉમેશ બાવીસાએ કર્યું હતું.
સ્નેહમિલનમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા ઢોડિયા ભાષામાં ગીતો, બાળકોએ આદિવાસી નૃત્ય સહિત ઘેરૈયા, તુર, ગામીત, ડાંગી નૃત્ય રજુ થયા હતા.જેનો આશય સંસ્કૃતિને જીવંત રાખવાનો હતો.
બાળકોએ પ્રાર્થના, સ્વાગત ગીતપણ રજુ કર્યું હતું.
કાર્યક્રમમાં ધરમપુર, ચીખલી,વાંસદા, ઉમરગામ,પારડી, વાપી, વલસાડ અને સેલવાસા વિસ્તારનો બાવીસા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.