ગુજરાત એલર્ટ | વલસાડ
શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને સ્કૂલનું સ્વેટર ફરજિયાત પહેરાવવા સ્કૂલોની મનમાની જોવા મળી રહી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારના સ્વેટર પહેરવાની છૂટ આપવાનો પરિપત્ર બહાર પડાયો છે, પરંતુ હજુ પણ વલસાડ જિલ્લાની સ્કૂલો પોતાની મનમાની કરી રહી છે. જેમાં વલસાડની શેઠ આર. જે. જે. અંગ્રેજી માધ્યમની સ્કૂલ આ અમલીકરણ માટે હદ વટાવી રહી હોવાનું એક વાલી દ્વારા જણવા મળ્યું છે. જે મુજબ ધોરણ 2 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું સ્વેટર ભીનું થતાં તે મજબૂરીમાં જેકેટ પહેરી ગઇ તો તેની ક્લાસ શિક્ષિકાએ ઠંડીમાં તેનું જેકેટ કઢાવી નાખ્યું હતુ અને તેને ચાલુ પંખે ધ્રુજતી બેસાડી રાખી હતી. ત્યારે આ અંગે તેના જાગૃત વાલીએ પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરી હતી.
આવી જ હાલત જિલ્લાની અન્ય સ્કૂલોમાં પણ છે. પોતાના જ સ્વેટર પહેરાવવા સ્કૂલો મનમાની કરી રહી છે. વલસાડ જ નહી, પારડી કે વાપીની અન્ય મોટી મોટી સ્કૂલો તેમના સંચાલકો પોતાના વિદ્યાર્થીઓને સ્કૂલનું જ સ્વેટર પહેરાવવા મજબૂર કરી રહ્યા છે. જેની સામે વાલીઓ લાચાર બન્યા છે. વલસાડની એક સ્કૂલે થર્મલ પહેરવાનો ફતવો બહાર પાડ્યો છે. જેના કારણે તેઓ બહાર પોતાનું જ સ્વેટર પહેરાવવાની મનમાની કરી શકે. ત્યારે આ અંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પણ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે.
શાળાએ નિર્ધારીત કરેલું સ્વેટર ચોક્કસ દુકાનોમાં જ મળે છે. જેની ઉંચી કિંમત વસૂલાય છે. એટલા ભાવમાં સારી ગુણવત્તાવાળું જેકેટ મળી જાય છે, પરંતુ સ્કૂલ સંચાલકો રોકડી કરવાની લ્હાયમાં પોતાનું સ્વેટર પહેરાવવાની જ મનમાની કરી રહ્યાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જેની સામે વાલીઓએ જાગૃત થવાની તાતી જરૂરિયાત છે. એક સાથે તમામ વાલીઓ જાગૃત બને તો શાળા સંચાલકોએ ઝુકી જવું પડશે. તેમજ વલસાડ પ્રાથમિક શિક્ષણાધિકારી પણ આવી શાળાઓને દંડે એ જરૂરી બન્યું છે.