ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના પુસ્તર પરબ સંસ્થાની ટીમ દ્વારા ‘‘સદભાવના પાત્ર, સૌના માટે’’ (Voice of Humanity) પ્રોજેક્ટ હાલરમાં પાદરદેવી માતાના મંદિર પાસે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. જેની સફળતાથી પ્રેરાઈને સંસ્થાના સભ્ય હાર્દિકભાઈ પટેલ (એડવોકેટ, નોટરી, ધરમપુર) ના જન્મદિવસે એમની દીકરી શ્રીના પટેલ દ્વારા ધરમપુર રોડ પર એસ.ટી.વર્કશોપની બહાર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખૂલ્લું મૂકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૧૬ વખત રક્તદાન કરનાર ભીખુભાઈ ભાવસાર દ્વારા પ્રારંભે જ ટીવી દાનમાં આપવામાં આવ્યું હતું. જે જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન હાર્દિક પટેલ, ડૉ.આશા ગોહિલ અને જગદીશ આહિર દ્વારા થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે લીનાબેન, દિનેશભાઈ દેસાઈ, શિલ્પાબેન, હંસા પટેલ, ડૉ.વિલ્સન મેકવાનની મદદ મળી રહી.
આ પ્રોજેક્ટનો હેતુ સમજાવતા ડો. આશાબેન ગોહિલે જણાવ્યું કે, તમારી પાસે જે પણ વધારાની ચીજવસ્તુ હોય અને એ વસ્તુ બીજાને ઉપયોગમાં આવી શકે એવી સ્થિતિમાં હોય તો તમે આ સદભાવના પાત્રમાં મૂકી જઈ શકો છો. જેમને જરૂર હશે એ લોકો લઈ જશે. ક્યાંક કોઈ જરૂરિયાતમંદ છે તો ક્યાંક કોઈક આપનાર પણ છે. આ બંને વચ્ચે અમારી ટીમ સેતુનું કામ કરી રહી છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન કરાતી ઘર સફાઈમાં ઘરની નાની મોટી ચીજવસ્તુઓ દાનમાં આપવા માંગતા હોય જેમ કે, વાસણો, સાયકલ, ફર્નિચર તો સંપર્ક કરી શકો છો. કોઈક માટે એ વસ્તુઓ ખુશીનું કારણ બની શકે છે. આ બધી વસ્તુઓ જરૂરિયાતમંદોને પહોંચાડીશું. વધુ વિગત માટે સદભાવના પાત્રના સ્ટેન્ડ પર નામ અને ફોન નંબર લખ્યા છે. જેનાથી વધુ માહિતી મેળવી શકાશે.