ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના ધરમપુર રોડ પર સ્થિત ધોડિયા સમાજની વાડી ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અમદાવાદ સર્કલના પેન્શનર્સ એસોસિએશનના વલસાડ રીજીયનની વાર્ષિક પેન્શનર્સ મીટ યોજાઈ હતી.
સભાના અધ્યક્ષસ્થાને વડોદરાથી પધારેલા એસોસિએશનનાં પ્રમુખ આર.એન ચૉક્સી, વાઈસ પ્રેસિડન્ટ પી.જી.પારઘી અને અસો.ના મેન્ટોર ભરતસિંહ ચૌહાણે પોતાનાં મંતવ્યો દ્વારા હાજર સભ્યોને એસો. દ્વારા સભ્યોના હિતમાં થઈ રહેલા તેમજ ભવિષ્યમાં થનાર કામોની માહિતી આપી હતી. જનરલ સેક્રેટરી કમાલ કાદરીએ સભ્યોને વિશેષ આગ્રહ પૂર્વક જણાવ્યું કે, તા. 1 થી 15 જાન્યુ. દરમ્યાન સ્ટેટ બેન્ક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની “બી” હેલ્થ પોલીસીનું પ્રીમિયમ જરૂરથી ભરજો. એસ.બી.આઈ.ના પેન્શનર્સને ખૂબ જ કિફાયત પ્રીમિયમથી આ પોલીસીનો લાભ મળી રહ્યો છે તો દરેક પેન્શનર આ પોલીસીનું પ્રીમિયમ ભરી જરૂરથી સદસ્ય બને. વલસાડ સ્ટેટ બેન્કના આર.બી.ઓ.ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિકાસ સરાફે પેન્શનર્સને બેન્ક દ્વારા કોઈ સમસ્યા હોય તો શક્ય તેટલી બનતી મદદની ખાતરી આપી સર્વ પેન્શનર્સને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એસો.ના સુરત ઝોનના ડેપ્યુટી જનરલ સેક્રેટરી આર.આર.દેસાઈએ સ્વાગત પ્રવચન કરી વલસાડ ખાતે ડિસ્પેન્સરી અને કેશલેસ હૉસ્પિટલની સુવિધા માટે ઘણાં લાંબા સમયથી વારંવાર રજૂઆત કરતા આવ્યા છે ત્યારે આ સમસ્યા જલ્દીથી ઉકેલાય એવી આશા વ્યક્ત કરી હતી. આ અંગે મંચસ્થ એસો.ના ઉચ્ચ હોદ્દેદારોએ આ બાબતે નિવેડો લાવીશું તેવી ખાતરી આપી હતી.
આ પ્રસંગે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનર્સ / ફેમીલી પેન્શનર્સનું શાલ ઓઢાડી ખજૂરના પેકેટ્સ આપી અભિવાદન કરાયું હતું. તદુપરાંત જે પેન્શનર્સે લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુગલોનું પણ વિશેષ અભિવાદન શાલ ઓઢાડી મોમેન્ટો તેમજ ખજૂરનાં પેકેટ્સ આપી કરવામાં આવ્યું હતું. આ સભામાં વલસાડ જિલ્લા, કેન્દ્ર શાસિત દમણ, સેલવાસ, દાદરા નગર હવેલીના એસ.બી.આઈ.ના પેન્શનર્સ/ફેમીલી પેન્શનર્સે મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ હરેશભાઈ જી. દેસાઈએ કરી હતી. ટીમ એસ.બી.આઈ.પી.એ. વલસાડનાં કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.