ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં આંતર કોલેજ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને નવી શિક્ષણનીતિ અંગે વિસ્તૃત સમજણ અપાઈ હતી. વ્યાખ્યાન માળામાં વલસાડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ જણાવ્યું કે, આજનો યુગ પરિવર્તનનો છે. આજે NEP-2020 અંતર્ગત વાણિજ્ય વિદ્યાશાખાનો વ્યાપ વધ્યો છે. જેથી કારકિર્દીમાં વાણિજ્યના વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈકલ્પિક માર્ગો ખૂલતા થયા છે. જેમાં બેન્કિંગ ,વીમો, ઉત્પાદન, બજારક્રિયા, ધંધો અને વેપાર વિવિધ રીતે વિકસ્યા છે. આજની શિક્ષણ પ્રથામાં કૌશલ્યવાળું શિક્ષણ જેમાં ઇન્ટર્નશીપ જોગવાઈઓ અને રિસર્ચ કાર્યને વધુમાં વધુ પ્રાધાન્ય અપાય છે.
પ્રથમ મુખ્ય વક્તામાં સુરતની નવયુગ કોમર્સ કોલેજના પ્રિન્સિલપાલ ડૉ.વિનોદભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા વૈવિધ્યપૂર્ણ સંદેશાઓની ખુબ જ આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. તેમને પરીક્ષાલક્ષી જ્ઞાન સિવાય હવે આજના હરીફાઈ યુક્ત જમાનાની હરોળમાં આગળ રહેવાનું ચિંતન ખુબ તાતી જરૂરિયાત બની ગઈ છે. વિદ્યાર્થીઓએ હંમેશા હકારાત્મક વિચારસરણી રાખીને વલણ સુધારીને સફળતા માટે હરહંમેશ સખત મહેનત કરી આજીવન વિદ્યાર્થી બનવાની આવશ્યકતા આજના સમયની માંગ છે. જ્ઞાન સશક્તિકરણ જરૂરી છે. સોશિયલ મીડિયામાં મોબાઈલ જેવા સાધનનો સુયોગ્ય ઉપયોગ કરવો અને શબ્દ ભંડોળ વિશેષ વધારીને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવીને સફળતા પ્રાપ્ત કરવા તેમને અલગ અલગ અભ્યાસની રીતો સમજાવી અને જીવનમાં વડીલોનું સન્માન કરીને જીવનમાં ઝઝૂમવાની રીત શીખવી હતી.
બીજા મુખ્ય વક્તા સુરતની અખંડ આનંદ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રૂપાલીબેન શાહ દ્વારા બદલતા યુગમાં નવી શિક્ષણ નીતિ હેઠળ નેશનલ એજ્યુકેશન પોલીસી- ૨૦૨૦ની સમજણ આપી ભારતના નવા આયામોમાં ભૂતકાળની વાતને વાગોળી ૧૯૮૬ ની નીતિમાં સુધારો દર્શાવી ૨૦૨૦માં અમલમાં બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલીસીનાં મહત્વના મુદ્દાઓની છણાવટ કરતાં જણાવ્યું કે, માનવ સંશોધન વિકાસનું શિક્ષણ, વ્યવસાયલક્ષી શિક્ષણ, ૫+૩+૩+૪ ની પ્રણાલી, મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ, કૌશલ્યવર્ધિત શિક્ષણ, એકેડેમીક બેંક ઓફ ક્રેડિટ અને સ્વયંમ પોર્ટલના કોર્સિસ જેવી વાતો ઉંડાણપૂર્વક સમજાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ આંતરકોલેજ વ્યાખ્યાનમાળામાં આભારવિધિ પ્રા.એમ.જી.પટેલે કરી હતી.ઉદઘોષકની ભૂમિકા પ્રા.દિવ્યાબેન ઢીમ્મરે નિભાવી હતી. વ્યાખ્યાન માળાના કો-ઓર્ડીનેટર તરીકે એમ.જી.પટેલ, પ્રા.એમ.એ.મુલ્લા, ડૉ.મિનાક્ષી જરીવાલા, ડૉ.ટી.બી.પટેલ અને પ્રા.ચિરાગ રાણાએ સેવા પુરી પાડી હતી.