ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાનારી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામની વિદ્યાલક્ષ્મી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છેવાડાના અંતરિયાળ વિસ્તારની દીકરીઓને પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં પરીક્ષા દરમ્યાન થતા ગભરાટથી દૂર રહી સ્વાસ્થ્ય જાળવવાની બાબતે રાખવાની કાળજી, પરીક્ષાથી નાસીપાસ બિલકુલ થવું નહીં. પરીક્ષાઓ તો અનેક આવવાની પૂરતી તૈયારી રાખી આસાનીથી એનો સામનો કેવી રીતે કરી શકાય એની માહિતી આપી હતી. વધુમાં આ અંતિમ પરીક્ષા નથી હતાશ તો બિલકુલ થવું નહીં. પરીક્ષાને પડકાર તરીકે લો. પરીક્ષા દરમિયાન તણાવ મહેસૂસ કરવો નહીં. આ તો શરૂઆત છે, જિંદગીની સફરનો આનંદ માણો. જેવી અનેક વાતો થકી વિદ્યાર્થીઓને સરળ અને સહજ ભાષામાં પ્રેરણા પૂરી પાડી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અજીતભાઇ તથા દેવરાજ બાપા દ્વારા વિષય અંતર્ગત પૂર્તિ કરવામાં આવી હતી. આજીવન શિક્ષક તરીકે જાણીતા અજીતભાઇ દીકરીઓને પોતાના ઘરે રાખી શિક્ષણ પૂરું પાડી રહ્યા હોવાની તેમના સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી.