વલસાડ
વલસાડ તાલુકાના વાઘલધરા જેસીયા ગામમાં છગનભાઈ આહિરના ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આવી આકસ્મિક આફતમાં છગનભાઈના કુટુંબને સહારો આપવા દક્ષિણ ગુજરાત આહિર સમાજના યુવાનો તેમજ અગ્રણીઓએ આગળ આવી સોશીયલ મીડિયાના માધ્યમથી ભંડોળ ભેગું કરી નવું ઘર બનાવી આપવાની પહેલ કરી છે.
આહીર સમાજના પીડિત પરિવારને નવું પાકું ઘર બનાવી આપવા માટે ઘરની અંદાજિત કિંમત રૂ. ૫ લાખ ૫૧ હજાર રૂપિયાની જવાબદારી સમાજના યુવાનોએ લઈ લીધી હતી. ગતરોજ સમાજના અગ્રણીઓ વાઘલધરા જેસીયા ગામે પહોંચ્યા હતા. જ્યાં નવું ઘર બનાવવાં માટે કોન્ટ્રાકટરને એડવાન્સ પેટે ૧ લાખ ૨ હજાર રૂપિયા આપી ઘરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અંદાજિત ૪ લાખ રૂપિયા જેટલી દાનની રકમ એકત્ર કરી હોવાની માહિતી ભાગડાવડા ગામનાં ડેપ્યુટી સરપંચ ગૌરવભાઈએ દરેક સભ્યોને જણાવી હતી. આ પ્રસંગે બીપીનભાઈ આહિર, દિપકભાઈ આહિર(કછોલી), સંજયભાઈ આહિર, ગીરીશભાઈ આહિર, જીતુભાઈ આહિર, બાબુભાઈ આહિર, ગૌરવભાઈ આહિર, કેતનભાઈ આહિર, દિપકભાઈ આહિર (હાલર) વગરેઓ ઉપસ્થિત થયાં હતાં. પીડિત પરિવારે સંકટ સમયે ઉભા રહેલા આહિર સમાજના દરેક દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.