વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રને ડેન્ગ્યુના કેસ અટકાવવામાં સફળતા મળી: વર્ષ ૨૦૨૩માં ૧૦૩ કેસ મળ્યા હતા જેની સામે વર્ષ ૨૦૨૪માં ૭૫ કેસ મળ્યા: વર્ષ – ૨૦૨૩માં સીરો પોઝિટિવ રેટ ૫.૮૩% ની સામે વર્ષ-૨૦૨૪માં ૩.૨૨% રહ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ માં ડેન્ગ્યુંના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોધાયો છે. વર્ષ – ૨૦૨૩માં સીરો પોઝિટિવ રેટ ૫.૮૩% ની સામે વર્ષ – ૨૦૨૪માં ૩.૨૨% રહ્યો છે. ઘરે ઘરે ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટીવીટી જેવી કામગીરીને ઝુંબેશ રૂપે લઇ જિલ્લાની તમામ વસ્તીને આવરી લઇ વાહકજન્ય રોગોને અટકાવવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને લોકોમાં પણ જનજાગૃતિના પરિણામે સકારાત્મક પરિણામ મેળવવા જિલ્લા આરોગ્ય તંત્ર સફળ રહ્યું હતું.

વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં વર્ષમાં ડેન્ગ્યુના ૧૭૪૯ શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૧૦૩ કેસ કન્ફર્મ મળી આવ્યા હતા, જે તમામને સારવાર આપી રોગમુક્ત કરવામાં આવ્યા હતા. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૪માં ડેન્ગ્યુના ૨૩૨૫ શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૭૫ કેસ કન્ફર્મ મળી આવ્યા હતા, જે તમામને પણ સારવાર આપી રોગમુક્ત કરવામાં આવ્યા છે.

જિલ્લા મેલેરિયા અધિકારી વિરેન પટેલે જણાવ્યું કે, ગત ૨૦૨૪ ના વર્ષમાં બાંધકામ સાઈટોના કોન્ટ્રાકટરો, ખાનગી ડોકટરો, NGO, સરપંચ, ગામના આગેવાનો સાથે સંકલનમાં રહી લોકોનો સહકાર મેળવી આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે. નવા ચાલુ થયેલા વર્ષ ૨૦૨૫ માં પણ આજ પ્રમાણે આયોજન કરી રોગ નિયંત્રણ અટકાયત અને નિયંત્રણની કામગીરી માટે જરૂરી તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવશે, જેમાં લોકોનો સહયોગ મળી રહે તે માટે અપીલ કરવામાં આવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!