ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલીને ‘અસલી’ બનાવી સક્રિય નકલખોર માફિયાઓ બેફામ બન્યા છે. ગૃહ વિભાગને પડકારી કરાઈ એકેડમીમાં ઘૂસી ગયેલા નકલી PSI, નકલી ટોલનાકું, નકલી ડી.એસ.પી,, નકલી પી.એ અને સૌથી મોટી વાત કે નકલી સરકારી કચેરી જેવા ઉપરાઉપરી ચોંકાવનારા મામલા પ્રકાશમાં આવ્યા બાદ પણ તંત્રની પોલ સતત ખુલી રહી છે. રાજ્યમાં વધી રહેલા આ પ્રકારના બનાવો વચ્ચે વલસાડમાં પાણી પુરવઠા વિભાગના નકલી (રીટાયર્ડ) અધિકારીના નકલી નળ કનેક્શનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વલસાડ પાણી પુરવઠા વિભાગની કચેરી રેસીડેન્સીયલ બિલ્ડીંગના ફ્લેટમાં ચાલતી હોવાનો વિવાદ શમ્યો નથી. ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. આ એવો કિસ્સો છે જેમાં પાણી પુરવઠાના રિટાયર્ડ મુખ્ય ઇજનેરના ઘરે પાણી પહોંચાડવા વલસાડના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરે બધા નિયમો મૂકી દીધા. એટલું જ નહીં પરંતુ વલસાડના ભાગડાવડા, ભાગડાખુર્દ, તિથલ રોડ સરદાર હાઈટ્સ સહિતના વિસ્તારોના હજારો લોકોના પીવાના પાણી સામે આ ગેરકાયદેસર પાઇપલાઇનને લીધે કેવું સંકટ આવી શકે તેની પણ ચિંતા ન કરી. જો શનિવારે આવું સંકટ આવ્યું ન હોત તો આ નકલી નળ કનેક્શનનો ભાંડો ફૂટ્યો જ ન હોત. જ્યારે નનકવાડા ગ્રામ પંચાયતથી તળાવ તરફ જતા માર્ગ પર મેઇન લાઇનમાં ભંગાણ પડ્યું અને પાણીનો પ્રવાહ માર્ગ ઉપર વહેતા ભાગડાવડા, ભાગડાખુર્દ સહિતના ગામોમાં મેન લાઇનથી કરવામાં આવતો સપ્લાય બંધ કરવો પડ્યો. પાણીની બૂમ શરૂ થઈ. એ સમયે નનકવાડાના રોડ ઉપર પાણીની લાઈન રીપેરીંગ થતી જોતા “ગુજરાત એલર્ટ”ની ટીમે રીપેર કરી રહેલા કર્મચારીઓને પૂછતા માલુમ પડ્યુ કે હજારો લોકોને પાણી પહોંચાડવા માટેની મેઇન લાઈનમાં નકલી કનેક્શન આપવામાં આવ્યું છે અને આ ગેરકાયદે નકલી કનેક્શનને કારણે ચાર ચાર વખત પાણી પુરવઠાનો સપ્લાય બંધ કરવા પડ્યો છે. આ લાઈન રીપેર કરી રહેલા કર્મચારીએ કબુલ્યું કે અવારનવાર અધિકારીના ઘરે આપેલી લાઈનમાં ભંગાણ પડતા મેઇન લાઇનનો પાણી પુરવઠો બંધ કરવા પડે છે. પણ સાહેબ (ડી.ઇ. પિનાકીન પટેલ) કહે એટલે અમારે રીપેરીંગ કરવા આવવા પડે છે. તેમણે નિવૃત્ત અધિકારી એન. એચ. પટેલના ઘરે પાણીની લાઈન ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી હોવાનું વાતોમાં કહ્યું હતું.
અમારી ટીમે તપાસ કરતા લગભગ 500 ફૂટ આગળ એન. એચ. પટેલનો બંગલો જોવા મળ્યો હતો.
જ્યાં બહાર “નવનીત નિવાસ” નું પાટીયું લાગેલું હતું.
જેમાં બે લક્ઝરીયસ કારો મૂકવામાં આવેલી હતી. તપાસ દરમિયાન એન. એચ. પટેલ સુરત ખાતે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની કચેરીમાં મુખ્ય ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ હાલ વર્ષો પહેલા નિવૃત્ત થઈ ગયેલા છે અને નિવૃત્તિમય જીવન ગાળે છે. વલસાડના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હજારો લોકોના પાણીની ચિંતા કર્યા વિના મુખ્યલાઈનમાંથી આ રિટાયર્ડ અધિકારીને લગભગ 500 ફૂટ દૂર લાઈન ખેંચી આપી પાણી આપી રહ્યાં છે. મોટા વ્યાસની મેઈન લાઈનમાંથી આ કનેક્શન કરવામાં આવ્યું હોય અવારનવાર ત્યાં લીકેજનો પ્રશ્નો ઉભો થાય છે જેને લીધે હજારો લોકોને પાણી પૂરું પાડતી મેનલાઇનને અસર થાય છે. છેલ્લા ઘણા સમયથી આવું ચાલી રહ્યું છે છતાં વલસાડ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર રતિલાલ ભુસારા અને નાયબ કાર્યપાલક ઇજનેર પિનાકીન પટેલે હજારો લોકોને બદલે નિવૃત્ત સાહેબને સાચવવામાં જ રસ હોય તેમ તાજેતરમાં આ સાહેબને પાણીની લાઈનમાં લીકેજ થતા લગભગ 24 કલાક જેટલો મેઇનલાઇનનો પુરવઠો બંધ કરાવ્યો હતો. અને સાહેબની નકલી પાણીની લાઈન રીપેર કરાવડાવી હતી. ખરેખર આ બે અધિકારીઓમાં ફરજનિષ્ઠા હોય તો તેમણે તાત્કાલિક અસરથી આ લાઈન બંધ કરાવી સરકારને વફાદાર રહેવું જોઈએ.
ભૂતકાળના અધિકારી આ ગેરકાયદે લાઈન કરી ગયા હતા: નાયબ કાર્યપાલક ઇજનેર પિનાકીનભાઈ પટેલ
આ મામલે જ્યારે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પિનાકીનભાઈ પટેલને મેઈનલાઈનમાંથી કોઈને પાણીનું નળ કનેક્શન આપી શકાય કે કેમ તે પૂછતા તેમને સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમણે દોષનો ટોપલો અગાઉના અધિકારીઓના માથે નાખી ભૂતકાળના અધિકારી આ ગેરકાયદે લાઈન કરી ગયા હોવાનું કહ્યું હતું. એમાં મારી કોઈ ભૂમિકા નથી એવો ખુલાસો કર્યો હતો. જો કે તેમને ખબર હતી કે આ ગેરકાયદે લાઈન છે તેમ છતાં તેમણે લાઇન કટ કરાવવાને બદલે નિવૃત્ત સાહેબને સારું દેખાડવા લાઈન કટ કરવાને બદલે રીપેર કરાવડાવી હતી. જો કે અંતે તેમણે લોકોના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી આ આ નકલી નળ કનેક્શન દૂર કરાશે એમ કહ્યું હતું.
આ કનેક્શન તો ક્યારનું બંધ કરી દેવામાં આવ્યું છે: કાર્યપાલક ઇજનેર રતિલાલ ભુસારાનું જુઠ્ઠાણું
જ્યારે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર રતિલાલ ભુસારાએ કંઈક અલગ જ રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એન.એચ. પટેલને તો બહુ અગાઉ આ કનેક્શન આપેલું હતું. અને તે કનેક્શન તો ક્યારનું બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગેરકાયદે બિલ્ડિંગમાં પોતાની ઓફિસ ચલાવતા આ અધિકારીને એ પણ ખબર નથી કે બે દિવસ પહેલા જ એમના આ નકલી કનેક્શનમાં ફોલ્ટ આવતા લાઈન રીપેર કરાવાઈ હતી.