બે સપ્તાહના વિરામ બાદ દ. ગુજરાતમાં મેઘરાજાની રી-એન્ટ્રી તાપીના કુકરમુંડામાં છેલ્લા ૧૮ કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબકયો

દાહોદમાં અઢી ઈંચઃ બોડેલીમાં બે ઈંચઃ રાજ્યના ૧૯ તાલુકાઓમાં ૧ થી ૨ ઈંચ વરસાદ : લાંબા વિરામ બાદ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદથી લોકોને ઉકળાટમાં રાહત મળીઃ આવતા ૪ દિવસમાં રાજ્યમાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ: બે સપ્તાહના વિરામ બાદ આખરે મેઘરાજાએ દ. ગુજરાતમાં રી-એન્ટ્રી કરતા લોકોના હૈયા હર્ષથી પુલકીત થઈ ગયા છે.દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલ રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. તાપીના કુકરમુંડામાં છેલ્લા ૧૮ કલાકમાં ૪ ઈંચ, છોટા ઉદેપુર અને બોડેલીમાં બે ઈંચ, દાહોદમાં અઢી ઈંચ વરસાદ પડયો હોવાનો અહેવાલ છે.
હજુ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૪ દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે તેવી શકયતા છે.
મળતા અહેવાલો અનુસાર રાજ્યના ૧૯ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ થી ૨ ઈંચ વરસાદ પડયો છે જેના કારણે ખેડૂતો અને લોકોના ચહેરા ખીલી ઉઠયા છે.
અમદાવાદમાં ફરી મેઘરાજાનું આગમન થયુ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડયાના અહેવાલ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ઉકળાટમાં રાહત પહોંચી છે. રાજ્યમાં આવતીકાલથી ચોમાસુ ફરી સક્રિય થાય તેવી શકયતા છે. જેના કારણે ખેડૂતોને પાક સુકાઈ જવાની જે ચિંતા હતી તે દૂર થાય તેવી શકયતા છે.
એક આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાય રહ્યુ છે જે પશ્ચિમ તરફ આગળ વધશે અને તેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
અત્રે એ નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ મહિને વરસાદ નહિ પડતા ૫૦ ટકા જેટલી વરસાદી ઘટ નોંધવામા આવી છે. સમગ્ર રાજ્યમાં આ ઘટ ૪૬ ટકા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!