વલસાડ
ફાયર એનઓસી વિના ધમધમતા વલસાડ શહેરના 10 કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડિંગો સામે વલસાડ નગરપાલિકા લાલ આંખ કરી છે. બિલ્ડિંગોએ ફાયર એનઓસી ન આપતાં વલસાડ પાલિકાએ આજરોજ તિથલરોડ પર આવેલા પ્લાઝા બિલ્ડીંગના હોલને સીલ કરવા સહિતની કાર્યવાહી કરતા ફાફડાટ મચી ગયો હતો.
નામદાર હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં ફાયર મામલે ગંભીરતા દાખવવા રાજ્ય સરકારને ટકોર કરતા વલસાડ નગરપાલિકા હરકતમાં આવ્યું છે. વલસાડ નગરપાલિકા આજરોજ વલસાડ શહેરની જુદા જુદા વિસ્તારોમાં આવેલી રેસીડેન્સીયલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચકાસણી હાથ ધરી હતી. જે પૈકી વલસાડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 10 બિલ્ડીંગોને નોટિસ ફટકારી હતી.
વલસાડ તાલુકાના ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના જણાવ્યા મુજબ આ તમામ બિલ્ડીંગો રેસીડેન્સીયલ ઉપરાંત કોમર્શિયલ ઉપયોગ પણ કરી રહ્યા છે. જેઓએ કોમર્શિયલ વપરાશ માટે ફાયર એનઓસી રજૂ કરી નથી. અગાઉ વારંવાર આ બિલ્ડીંગોને ફાયર કમ્પ્લાયન્સ રજૂ કરવા માટે જણાવ્યું હોવા છતાં તેઓએ ફાયર કમ્પ્લાયન્સ રજૂ કર્યું નથી અને વાણિજ્ય વપરાશ ચાલુ રાખ્યો છે. જેથી પાલિકા દ્વારા વલસાડ શહેરની 10 બિલ્ડિંગો સામે કાર્યવાહી કરાઇ છે. જે પૈકી વલસાડના તિથલ રોડ ઉપર આવેલા પ્લાઝા એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે આવેલો હોલ સીલ કરવામાં આવ્યો છે. જો આ બિલ્ડીંગો દ્વારા ફાયર કમ્પલાઇન્સ રજૂ કરવામાં ન આવે તો બિલ્ડીંગોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
કઈ કઈ બિલ્ડીંગો સામે કાર્યવાહી કરાઈ
વલસાડમાં તિથલ રોડ પર આવેલા મહાલક્ષ્મી ટાવર, મેઘરચના ટાવર, પ્લાઝા એપાર્ટમેન્ટ, એવન્યુ એપાર્ટમેન્ટ, બંદર રોડ સ્થિત એવરશાઇન ટાવર, હાલર રોડ પર આવેલું આકાશગંગા એપાર્ટમેન્ટ, રિદ્ધિસિદ્ધિ-એ એપાર્ટમેન્ટ, આવાબાઈ હાઇસ્કુલ સામે આવેલું પ્રાગજી ટાવર, મોટાબજાર સ્થિત શ્રીજી ટાવર અને રાજમણિ એપાર્ટમેન્ટને નોટિસ પાઠવી હતી.