ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ઇલેક્ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી જોશી મન અને તેમની ટીમના સભ્યો વારલેકર નયન, પટેલ મીતુલ, જાડેજા ધ્રુવરાજસિંહ, હળપતિ ભાવિન અને પ્રિતેશ પટેલ દ્વારા IOT(ઈન્ટરનેટ ઓફ થીંગ્સ) બેઝ્ડ સ્માર્ટ ઇરીગેશન સીસ્ટમ પર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત ઇજનેરી ક્ષેત્રેની ખ્યાતનામ સંસ્થા શ્રી દ્વારકાદાસ જે. સંઘવી કોલેજ ઓફ એન્જિનિયરીંગ દ્વારા હેકાથોન યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી કુલ અંદાજીત ૬૦૦ જેટલી ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ઓનસાઈટ પ્રોજેકટ મેકીંગ અને કુલ ૫ રાઉન્ડની ગહન ચકાસણી બાદ જાહેર કરવામાં આવેલા પરીણામોમાં સરકારી ઇજનેરી કોલેજ વલસાડની આ ટીમે ચોથું સ્થાન મેળવ્યું હતું.
આ ટીમને સંસ્થાના ઇલેક્ટ્રીક વિભાગના વડા અને S.S.I.P (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી) co-ordinator ડો. કે એલ મોકરીયા અને પ્રોફ. મૌલિક ચૌધરી દ્વારા માર્ગદર્શિત કરવામાં આવી હતી. પ્રોજેક્ટના ઇન્ડસ્ટ્રીયલ મેંટર ભાવિન પટેલ છે. આ પ્રોજેક્ટ્સની પેટન્ટ ફાઇલીંગની પ્રક્રિયાને સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય ડો. વી. એસ. પુરાણીના વડપણ હેઠળની કમિટી દ્વારા મંજુરી મળી હતી. ટીમ દ્વારા મેળવેલી આ સિદ્ધી માટે સંસ્થાના આચાર્ય ડો. વી. ડી. ધીમન દ્વારા પણ સહાયતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગળના ભવિષ્ય માટે તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.