ગુજરાત એલર્ટ । આહવા
આજરોજ તારીખ. 04/11/2023 ના રોજ ડાંગ આમઆદમી પાર્ટી દ્વારા કલેકટર ડાંગ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. જેમાં આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંજંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આવેદનપત્રમાં જણાવાયા મુજબ જંગલ વિભાગના કમર્ચારીઓએ નુક્શાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માની આખરી સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી જે રકમ સહમતીથી નુક્શાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી હતી અને પોલીસે ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે. આ આખી ઘટના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈની સક્રિયતાથી નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે તેવા લોકોએ ઉપજાવેલુ આ ષડયંત્ર દેખાય છે. આ મામલાની ન્યાયિક તપાસ કરાવવા અને ત્યાં સુધી ધરપકડો ઉપર રોક લગાવવા રજૂઆત કરી હતી. ઉપરાંત તાત્કાલિક હકારાત્મક પગલા લેવામાં આવશે નહીં તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે.