ગુજરાત એલર્ટ । વલસાડ
‘‘બેટી વધાવો’’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વાપી તાલુકામાં આવેલી મેરીલ એકેડમીના તક્ષશિલા ઓડિટોરીયમમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં પી સી એન્ડ પી એન ડી ટી એક્ટ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે સમાજમાં દીકરીનું વધતુ જતુ મહત્વ અને સેક્સ રેશિયોની જાળવણી ઉપર ભાર મુક્યો હતો. વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કિરણ પી.પટેલે દીકરી જન્મ દર વધારવા પર ભાર મુકી જણાવ્યું કે, ભૂલો ન થાય તેનુ ધ્યાન રાખી રેકોર્ડ અને રિપોર્ટની નિભાવણી અગત્યની છે. પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ હેઠળ સજાની જોગવાઈ હોય સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. નાની ભૂલ પણ સજાને પાત્ર છે. ગાંધીનગરથી ઉપસ્થિત મધર એન્ડ ચાઈલ્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. હર્ષદ પટેલ, કાયદા નિષ્ણાત અરુણ પ્રતાપસિંહ અને પ્રોજેક્ટ ઓફિસર ડો.સચિન જયસ્વાલે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંગે માહિતી આપી સોનોગ્રાફીનો રેકોર્ડ ૨ વર્ષ સુધી રાખવો ફરજિયાત હોવાનું જણાવ્યું હતું.
આ વર્કશોપમાં તમામ તાલુકાના હેલ્થ ઓફિસરો, ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો અને ૧૬૦ થી વધુ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ સંસ્થાના તબીબો અને સ્ટાફ હાજર રહ્યો હતો. ઉમરગામ તાલુકા હેલ્થ અધિકારી ડો. રૂપેશ ગોહિલે ‘‘કિસ્મતની રેખા લખાઈ તે પહેલા જ બુઝાય’’, ‘‘બેટી હે તો કલ હે અને દીકરો-દીકરી એક સમાન’’ સૂત્રને સાર્થક કરવા આહવાન કરી આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશ રાયચા દ્વારા કરવામાં આવ્યું હતું.