ગુજરાત એલર્ટ | વલસાડ
વિશ્વ યોગ દિને વલસાડમાં “એરોયોગ” દ્વારા યોગ અને સ્વાસ્થ્યને સાંકળતો “સ્વસ્થમ” નામનો અદભુત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેલટ્રેન તાલીમાર્થીઓએ સુમધુર સંગીતના તાલે અદભુત યોગાસનો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વિશ્વ યોગદિને વલસાડ શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આજે સાંજે 6 વાગ્યે સ્વસ્થમ નામનો યોગનો ભવ્ય કાર્યક્રમ એરોયોગ દ્વારા યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરી મગોદ સ્થિત શાંતિ મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જે બાદ યોગને અનુરૂપ સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું.
યોગ ક્લાસીસના 80 તાલીમાર્થીઓએ સ્ટેજ પર વક્રાસન, અર્ધમસેન્દ્ર, ભુજંગાસન, શંખ પ્રક્ષાલન આસનનાં પાંચ આસનો, ભૂમિ નમન આસન, નૌકા સન, દ્રોનાસન, હનુમાનઆસન, મયૂરાસન, વ્યઘરાસન, ગૌમુખાસન, કુરમાસન, કર્ણપિડાસન, હલાસન, સર્વાગાસન, પશ્ચિમોતાનાસન, ઉષ્ટરાસન, બદપદમાસન, બકાસન સહિતના જુદા જુદા 80 જેટલા આસનો કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઘર, પરિવારની જવાબદારી સહિત ઘણી બધી જવાબદારીઓ પછી પણ મહિલાઓએ સમૂહમાં આસનની પ્રેક્ટિસ કરી અદભુત પરફોર્મન્સ આપતા ઉપસ્થિતો તાળી પાડતા રોકી શક્યા ન હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક જીગ્નેશ રાઠોડ, ડો. પિયુષ પટેલ, યતિન નાયક, અને અજીત પટેલે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હેમા મિસ્ત્રીએ એન્કરની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી હતી.
હેલ્થી પ્રેગનેન્સીની બેસ્ટ ઉંમર કઈ? યુવાનોને હાર્ટ એટેક કેમ આવે છે? જાડા લોકોનાં ઘૂંટણો કેમ ઘસાઈ જાય છે? તબીબોએ શું કહ્યું.
યોગને સ્વાસ્થ્ય સાથે સાંકળવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા આ કાર્યક્રમમાં સ્વાસ્થ્યને લગતી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં વલસાડનાં વિદ્વાન તબીબોએ જવાબો આપ્યા હતાં.
કોવિડ આવ્યા બાદ હાર્ટ એટેકના કેસો કેમ વધી રહ્યાં છે તે પ્રશ્નના જવાબમાં ડૉ. કલ્પેશ જોશીએ કહ્યું કે કોવિડ આવ્યા બાદ માઇન્ડ સ્ટ્રોક અને હાર્ટ એટેક ચોક્કસ વધ્યા છે, એ ઘણા સંશોધનોમાં પણ જણાયું છે. પરંતુ હજુ એ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. જો કે યુવાનોની સરખામણીએ યુવતીઓને મેનોપોઝ આવતો હોઈ તેમને હાર્ટ એટેક સામે પ્રોટેક્ટ કરે છે. એટલે યુવાનીની ઉંમરમાં યુવતીની સરખામણીમાં યુવાનોને વધુ એટેકો આવે છે. 50 વર્ષની ઉંમર પછી સ્ત્રી પુરુષ બંનેમાં હાર્ટ એટેકની શક્યતા સરખી રહે છે. તેમણે Bmi (બોડી માસ ઇન્ડેક્ષ) વિશે સમજણ આપી આપણી ઊંચાઈની સરખામણીએ વજન બેલેન્સ હોવું જોઈએ, સાથે સંતોષકારક ઊંઘ આવવી ખૂબ જરૂરી હોવાનું કહ્યું હતું.
અન્ય પ્રશ્નનાં જવાબમાં ડો. વિજય ખત્રીએ કસરત કે યોગા કરવાં પહેલાં
તમારી ફ્લેક્ષિબિલિટી ચકાસવી જોઈએ. અહી આજે આસનોમાં બધના મુવ જોયા, પણ આ એક જ ધડાકે કરી ન શકાય, નહિ તો મારી પાસે જ આવવું પડશે એમ કહેતાં ઉપસ્થિતો હાસ્ય રોકી શક્યા ન હતાં.
જ્યારે ઘૂંટણનો ઘસારો એ ઉંમર અને વજનને લઈને થાય છે. કોઈ રન કરે કે કસરત કરે તો ઘસારો થતો નથી. ઉંમર તમારા હાથમાં નથી, પણ વજન તમારા હાથમાં છે. એમ કહી વધુ વજન ધરાવતાં લોકોને વ્યાયામ થકી વજન ઘટાડવા અપીલ કરી હતી.
એક પ્રશ્નનાં જવાબમાં ડૉ. ઉષા મૈસેરીએ હેલ્થી પ્રેગનેન્સી રાખવી હોઈ તો 23 થી 28 વર્ષની ઉંમર બાયોલોજી કલોકમાં બેસ્ટ ગણાવી હતી.