ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજંગલ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નાની બાળાઓએ સંકલ્પ યાત્રા રથને અક્ષતઃ કુમકુમથી વધાવ્યો હતો. ગ્રામજનોએ સરકારની યોજનાલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી હતી તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પણ મેળવ્યા હતાં.
ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આવકાર આપી સંકલ્પ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતાં.
આ વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય નિર્મળાબેન જાદવે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે છે.
વિવિધ યોજનાઓના લાભ આપવા જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામજનોને દ્વાર આવી છે. જેથી સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરૂ છું.
આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં ટીબીની ૨૦૧, સિકલસેલની ૪૨ લોકોએ તપાસ કરાવી હતી. જ્યારે ૫૧૧ લોકોની આરોગ્યલક્ષી તપાસ કરી સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ૧૪ લાભાર્થીઓને લાભ મળ્યો હતો.
આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ સરકારની યોજનાઓના મળેલા લાભના સુખદ અનુભવો વર્ણવ્યા હતાં. આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના સભ્ય હીરાબેન ભગુભાઈ માહલા, જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન, તાલુકા પંચાયત સભ્ય ગોપાળભાઈ ઘોટણ, તાલુકા પંચાયત સભ્ય કાકડભાઈ ગાવિત અને ગામના સરપંચ નિર્મળાબેન સંદિપભાઈ સિંગાડ સહિત આગેવાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.