વલસાડના તબીબોની અનોખી પહેલ- સોશિયલ મીડિયાના યુગમાં ખૂબ જ ટૂંકા સમયમાં સૌથી ઝડપી અને અસરકારક માધ્યમ તરીકે ‘‘રાષ્ટ્રધર્મ’’ના શીર્ષક સાથે બે શોર્ટ ફિલ્મ બનાવી: ઘર ઘર સુધી મતદાનનો સંદેશ ગુંજતો કર્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
સમગ્ર દેશ અત્યારે લોકશાહીના મહાપર્વ તરીકે ચૂંટણી પર્વ ઉજવી રહ્યો છે. લોકશાહી માટે મતદાનએ એનો આત્મા કહેવાય. જેટલું વધુ મતદાન એટલી લોકશાહી વધુ સફળ અને અસરકારક. ચૂંટણી ટાંણે સૌથી અગત્યનું પાસુ વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા. જે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ રોજે રોજ યોજાઈ રહ્યા છે. પરંતુ વર્તમાન સમય સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગનો હોવાથી આંખના પલકારામાં લોકો સુધી ઝડપી સંદેશ પહોંચાડવા માટે મતદાન જાગૃતિની અગત્યતા સમજી વલસાડના તબીબોએ ‘‘રાષ્ટ્રધર્મ’’ના શીર્ષક સાથે બે શોર્ટ ફિલ્મ બનાવી છે. જે હાલ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે.
વલસાડના ડો. કાર્તિક ભદ્રા દર ચૂંટણી ટાંણે મતદાન જાગૃતિ માટે હજારો પેમ્પલેટ છાપી વિતરણ કરતા હોય છે. પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો હોવાથી તા. ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે એ માટે તેમને બે અલગ વિષય પર શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો જે બાબતે વલસાડના ડો. વિરાગ દમણીયા, ડો. નિશિત પટેલ ડો.અર્પણ રાઠોડ, પ્રતીચિ માવાણી, ડો.ઉન્નતિ ડોડીયા, ડો.પ્રસન્નના પટેલ, ડો.પિનેશ મોદી અને ડો. શિવાની ભદ્રા સાથે ચર્ચા કરી અને આ વિચાર તમામ તબીબોને પસંદ પડતા અન્ય તબીબોએ પણ સહકાર આપી પોતે એક્ટિંગ પણ બખૂબી નિભાવી બે સુંદર ફિલ્મો બનાવી છે. આ બંને શોર્ટ ફિલ્મની વાર્તા અને સંવાદો ખુદ ડો. કાર્તિક ભદ્રાએ લખ્યા છે.

“રાષ્ટ્રધર્મ”ના શીર્ષક સાથે નિર્માણ થયેલી આ બંને ફિલ્મોના વિષય વસ્તુ પર પ્રકાશ પાડીએ તો, ૩ મીનિટની શોર્ટ ફિલ્મમાં દર્શાવાયું છે કે, દરેક મતદાર મતદાન કરી શકે તે માટે ઈલેકશન કમિશન દ્વારા જાહેર કરવામાં આવતી રજાનો ઉપયોગ લોકો પોતાના અંગત કામો અને લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં કરી નાખે છે અને જેના માટે રજા મળી છે તે મતદાન કોરાણે જ રહી જાય છે. પરંતુ આ ફિલ્મમાં પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાનનો સંદેશ આપવામાં આવ્યો છે. ચાર મીનિટની બીજી શોર્ટ ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ હતો, જેમાં ત્રણ મિત્રો ચૂંટણીની રજામાં ગોવા ફરવા જવાની મજા માણવા માંગે છે અને ત્યારે રાષ્ટ્રપિતા ગાંધી બાપુના પાત્રમાં ડો. કાર્તિક ભદ્રા યુવા પેઢીને આઝાદીની લડતમાં સ્વાતંત્ર્યસેનાનીઓની કુરબાની અને આઝાદીના મહત્વની સાથે મતદાન અને લોકશાહીનું મહત્વ સમજાવે છે અને યુવાનોને પોતાની ફરજ સમજાય છે. આ બંને ફિલ્મ નાની છે પરંતુ ખૂબ મોટો અને મહત્વનો સંદેશ સમાજને અને દેશને આપે છે કે, મતદાન એ આપણો ફક્ત હક નથી આપણી ફરજ પણ છે અને એ આપણો રાષ્ટ્રધર્મ પણ છે. હાલ આ બંને શોર્ટ ફિલ્મ ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યોઃ ડો. કાર્તિક ભદ્રા
બંને ફિલ્મોની અસરકારકતા વિશે ડો. કાર્તિક ભદ્રાએ જણાવ્યું કે, આ શોર્ટ ફિલ્મ નિહાળી લોકો મને અને અન્ય તબીબોને ફોન કરીને કહે છે કે બંને ફિલ્મ જોઈ, અમને ખૂબ ગમી, અમે સર્વે મતદાન કરીશું અને કરાવીશું. અમારા ગ્રુપમાં અને અમારા ગામમાં પણ સૌને મતદાન કરવા માટે સમજાવીશું. ડો. ભદ્રાએ વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ બનાવ્યા પછી વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ બંને ફિલ્મો દરેક ઘર સુધી પહોંચે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે અમે સૌ તબીબો દ્વારા અમારો આ નમ્ર પ્રયાસ છે. તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં સંભવતઃ એક જાગૃત નાગરિક તરીકે તબીબોએ સ્વંભૂ રીતે ફિલ્મ બનાવી મતદાન જાગૃતિ લાવવાની પહેલ કરી હોવાનો પ્રથમ બનાવ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!