ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી: સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે. આ જ દિશામાં આગળ વધતાં ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ઘરની ખેતીની સાથે સાથે પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરે છે. પરંતુ પ્રાકૃતિક ખેતી દ્વારા આજે પરિવાર ચલાવવું વધુ સરળ અને પરિવાર માટે સ્વાસ્થ્યદાયી બન્યું છે. કાશીનાથભાઈએ પર્યાવરણ અને સ્વાસ્થયને નુકશાન ન થાય તે હેતુથી તેમના ખેતરોમાં કોઇ પણ પાકમાં આજ સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી. માત્ર ગાય આધારિત ખેતી કરી પ્રકૃતિની સાચવણી કરી રહ્યા છે. તેમજ સરકારશ્રીની સોલાર પેનલ યોજના દ્વારા સોલાર એનર્જીથી પાણીની મોટર ચલાવી સંપૂર્ણ સોલાર આધારિત ખેતી દ્વારા દરેક પાકોનું સફળતા પૂર્વક ઉત્પાદન કરી સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે.

કાશીનાથભાઈ જણાવે છે કે, વર્ષ દરમિયાન તુવેર, અડદ, ડાંગર, નાગલીની તેમજ આશરે ૧૫૦ આંબાની આંબાવાડીની ખેતી કરે છે. આ દરેક પાકોમાં પોતાની ચાર દેશી ગાય દ્વારા મળતા છાણિયા ખાતર દ્વારા જ ખેતી કરી રહ્યો છું. પાકોમાં જંતુજન્ય રોગોને અટકાવવા ગાય આધરિત જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરૂ છું. અમુક પાકોમાં ગાયના છાણનો રગડો કરી ખાતર તરીકે ઉપયોગ કરૂ છું. દરેક પાકોમાં આજ સુધી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી. આંબાવાડીઓમાં પણ પ્રાકૃતિક પદાર્થો સિવાય કોઈપણ પેસ્ટિસાઈડનો ઉપયોગ કર્યો નથી. ઓછું ભણેલો હોવા છતાં પણ એટલો ખ્યાલ છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. પ્રાકૃતિક ખેતી દ્વારા જ આ બંનેની સાચવણી થઈ શકે એમ છે. તેથી જ પ્રાકૃતિક ખેતી અંગે થોડો ઘણો ખ્યાલ હોવા છતાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તાલીમ લઈને વધુ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી સફળતાપૂર્વક ઉત્પાદનો મેળવી રહ્યો છું.

વધુમાં કાશીનાથભાઈએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક બનાવવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગરીબ ખેડૂતોને સબસીડી તેમજ સાધન સહાય પણ મળી રહી છે જેથી આદિવાસી વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સરકારશ્રીની સોલાર પેનલ યોજના હેઠળ સોલાર પેનલની સ્થાપના કરી છે. જેના દ્વારા સોલાર ઉર્જાથી પાણીની મોટર ચલાવું છું અને આજે પાણીની તકલીફ વિના સંપૂર્ણ સોલાર આધારિત ખેતી કરી પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મેળવી રહ્યો છું. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળે છે તેમજ ખેત પેદાશોની ગુણવત્તા પણ ખુબ જ સારી રહે છે. વર્મીકમ્પોસ્ટનો પણ ઉપયોગ કરૂ છું કારણ કે અળસિયા જમીનની ગુણવત્તા સુધારવામાં અને ફળદ્રુપતા વધારવામાં સૌથી વધુ ઉપયોગી છે.

રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેક પ્રયત્નો કરી રહી છે, ત્યારે કાશીનાથભાઈ જેવા આદિવાસી ખેડૂત અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે. તેઓ કહે છે કે, રાસાયણિક પદાર્થોનો ખેતીમાં ઉપયોગ ભવિષ્યમાં લોકોને તકલીફમાં મુકી દેશે તેથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!