ગુજરાત એલર્ટ । વલસાડ
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર સ્થિત સાયન્સ કોલેજ છે, જે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે જ તેમના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. દર વર્ષે સુંદર પરિણામો મેળવતી આ કોલેજની પ્રસિદ્ધિમાં આ વર્ષે એક નવી યશ કલગી ઉમેરાઈ છે. વર્ષ ૨૦૨૩માં વિદ્યાર્થીની શીતલ જીતેન્દ્રકુમાર જાનીએ સમગ્ર વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સીટી ખાતે PGDMLT અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિનું શ્રેય જાય છે, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠનું પ્રોત્સાહિત કરનારું વાતાવરણ, નિષ્ઠાવંત અધ્યાપકો, અદ્યતન લેબની સુવિધા અને વિદ્યાર્થીનીના અથાગ પરિશ્રમને.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં B.Sc. અને M.Sc. અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓને લેબ ટેકનીશીયન માટેનો ઉચ્ચતર અભ્યાસ પૂરો પડવાના હેતુથી વર્ષ ૨૦૨૧ થી PGDMLT ના અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં B.Sc કેમિસ્ટ્રી અને લાઈફ સાયન્સના વિષયો સાથે ઉતીર્ણ થયા હોય તે વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. શરુ થયાના માત્ર ત્રણ જ વર્ષમાં મેળવેલ આ સિદ્ધિ વિદ્યાપીઠનું ઉચ્ચ શિક્ષણ સ્તર અને વિદ્યાર્થીઓના વિકાસ માટેના કટિબદ્ધ સફળ પ્રયાસો દર્શાવે છે. સાથે જ અહીં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે તેઓને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર, ઇન્ડસ્ટ્રીની વિઝીટ, ઇન્ટર્નશીપ, પ્લેસમેન્ટ માટેની તાલીમ, ઉદ્યોગની તાલીમે વગેરે કોલેજમાં ભણતર સાથે પૂરું પાડવામાં આવે છે.
આ ગોલ્ડ મેડલ મેળવી શીતલ જાનીએ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુર અને કપરાડા વિસ્તાર તથા સમગ્ર વલસાડ જીલ્લાને ગૌરવ અપાવ્યું છે.