ગુજરાત એલર્ટ | વલસાડ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય, અબ્રામામાં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થીની કુમારી ફ્લેષા વિપુલ પટેલ સમગ્ર રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં “દ્રશ્યકલા(2ડી અને 3ડી)” માં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ વલસાડ જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવ-2024માં રોશન કરવા બદલ પુષ્પગુચ્છ આપી ડાયરેક્ટર માનસિંગ ઠાકોર, આચાર્ય અમિતસિંહ પરમાર તેમજ શિક્ષિકા મિતાલીબેન અને શાળા પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા અને આજ રીતે ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરી શાળાનું તેમજ માતાપિતા અને પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલે પણ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય તેમજ વલસાડનું પ્રતિનિધિત્વ કરવા બદલ કુમારી ફ્લેષા વિપુલ પટેલ તેમજ એના માતા-પિતાને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
તા.02 થી 06 ડિસેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવ-2024 જે આર.આઈ.ઈ. કેમ્પસ ભોપાલ મુકામે યોજાયો હતો. આ રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવ-2024 માં દ્રશ્યકલા(2D અને 3D) માં વિષય હતો “વિકસિત ભારત” સમગ્ર ભારત દેશભરમાંથી 32 રાજ્યના બાળ કલાકારોએ ભાગ લીધો હતો. આ વિષયને લઈને ત્રણ દિવસ દરમિયાન વિકાસશીલ ભારત દેશના વિવિધ પાસાઓ જેવા કે વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા બનાવનાર વિવિધ રોકેટ લોન્ચરની પ્રતિકૃતિ, ભારત દેશના સમુદ્ર કિનારાની સુરક્ષા કરતા નેવી જવાનો દ્વારા સમુદ્ર કિનારાની રક્ષા કરતી ઝલક, પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરતાં ઉપકરણ એવી પવનચક્કી, મોસમ અને દૂરસંચાર વિભાગના ઉપકરણો, હાલની વિકસિત ભારત માટે ખૂબ જ ઉત્તમ એવા પ્રોજેક્ટ મેટ્રો પ્રોજેક્ટની મેટ્રો ટ્રેન અને ભારતની લોક સંસ્કૃતિની ઝાંખી આ સમગ્ર કૃતિમાં આવરી લઇ ખૂબ જ સુંદર કલાકૃતિ ૩ દિવસના ટૂંકા ગાળામાં બનાવી હતી.
એમાં “દ્રશ્યકલા(2ડી અને 3ડી)” માં ગુજરાત રાજ્યના સમગ્ર શિક્ષા ગુજરાત ખાતે એસ.ડી.પી. લલિત નારાયણસિંહ સંદુના સલાહ સુચન તથા આર.એ. પરબડીયા સહિતના અધિકારીઓ દ્વારા સતત વિજયલક્ષી જરૂરી માર્ગદર્શન મળતું રહ્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન જશુભાઈ પરમાર, ભરતસિંહ વાઘેલા અને માયાબેન રાઠોડનો સતત સહકાર અને પ્રેરણા થકી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શાળાનું તેમજ સમગ્ર વલસાડનું ગૌરવ વધાર્યું હતું.