વલસાડમાં છીપવાડ–વાવડીના સેવાભાવી યુવકે રક્તદાનને જીવન મંત્ર બનાવ્યો, પત્નીના જન્મ દિવસે ૧૦૦ મી વખત રકતદાન કર્યું

ગુજરાત એલર્ટ । વલસાડ
‘રક્તદાનને મહાદાન’ એટલા માટે જ કહેવાય છે કે આ દાન થકી અન્યોને નવું જીવન મળે છે. ત્યારે વલસાડના છીપવાડ વાવડી વિસ્તારના સેવાભાવી યુવાન મિતેશ હર્ષદભાઈ ભંડારી (મોન્ટુ) રક્તદાનને જીવન મંત્ર બનાવી ૧૦ ડિસેબરે પોતાની જીવન સંગીની દિપ્તી બહેનના જન્મદિવસ પ્રસંગે ૧૦૦ મી વખત રક્તદાન કરી પત્નીના જન્મદિવસને યાદગાર બનાવ્યો સાથો સાથ વલસાડ રકતદાન કેન્દ્રના ૧૪માં શતક રક્તદાતા બનવાનું શ્રેય મેળવી પરિવારને ગૌરવવંત કર્યું છે.

વલસાડના મિતેશભાઈ ભંડારી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૦૪માં ૧૯ વર્ષની વયે સૌ પ્રથમ વખત રકતદાન કરી છેલ્લા ૧૯ વર્ષોમાં સમયાંતરે રક્તદાન કરી શતક રક્તદાતા બન્યા છે સાથો સાથ માત્ર ૩૮ વર્ષની વયે રક્તદાનની સેન્ચુરી પૂર્ણ કરનાર સૌથી યુવાન સેન્ચુરિયન ડોનર પણ બન્યા છે. તેમના ૧૦૦માં રકતદાન પ્રસંગે વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. યઝદી ઇટાલિયા તથા ડૉ. વિશાલભાઇ મહેતા દ્વારા મિતેશ ભંડારીને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી એમની સેવાને બિરદાવવામાં આવી હતી. નાની છીપવાડ યુવક મંડળ તરફથી ભીખુ ભાવસાર દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રક્તદાન કેન્દ્રના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કમલભાઇ પટેલ, મેડિકલ સોશિયલ વર્કર ડૉ. અભિષેક મિસ્ત્રી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રિતી મિસ્ત્રી, ઉમીયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના કેપ્ટન અશોકભાઈ પટેલ, છીપવાડ દાણાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ સમીરભાઇ મપારા, શતકવીર રકતદાતાઓ સુનિલભાઇ પટેલ, મનોજ કાપડીયા તથા બહોળા મિત્ર વર્ગે હાજર રહી પુષ્પગુચ્છ અર્પણ કરી એમની વિરલ સિધ્ધીને બિરદાવી હતી. મિતેશભાઈ આજ દિન સુધી નિયમિત રક્તદાન અને સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરી લોકોને ઉપયોગી બન્યા છે.
આ પ્રસંગે વલસાડ રકતદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને શતક રક્તદાતા ભાવેશભાઈએ ૧૩૧ વખત અને શતક રક્તદાતા ભીખુ ભાવસારે ૧૨૦ મું રકતદાન કરી પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી જેમાં જયેશભાઈ મહેતાએ પણ રકતદાન કરી સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ રક્તદાન કેન્દ્રના ભાવેશભાઇ રાઇચાએ કરી હતી.

મિતેશભાઈના પિતા અને કાકા રક્તદાનના પ્રેરણાસ્ત્રોત સ્ત્રોત બન્યા

૧૯૮૦ ના દાયકામાં લોકોમાં રક્તદાનની જાગૃતિ ન હતી પણ રક્તની જરૂરિયાત તો તે સમયે પણ રહેતી હતી. તે સમયે મિતેશભાઈના પિતા હર્ષદભાઈ અને કાકા કિરણભાઈ ભંડારીએ રક્તદાનની શરૂઆત કરી લોકોને પણ પ્રેરિત કરતા હતા. તેનો પ્રભાવ મિતેશભાઈ પર પડ્યો હતો. એમના પરિવારમાં પિતા હર્ષદભાઈએ ૬૫ વર્ષ સુધીમાં ૬૭ વખત અને કાકા કિરણભાઈ ભંડારીએ ૮૦ થી વધુ વખત રકતદાન કરી માનવતાના દર્શન કરાવ્યા છે. એમના પરિવારમાં પિતા/કાકા/પોતે એમના બે ભાઈઓ અને બહેન મળી કુલ ૬ વ્યક્તિ રક્તદાતા છે.

૧૨ વર્ષમાં ૨૬ રક્તદાન શિબિર યોજી, કોરોનાકાળમાં રક્તદાતાઓ પાસે બે હજારથી વધુ રક્ત યુનિટ આપ્યું
છેલ્લા ૧૨ વર્ષોમાં નાની છીપવાડ યુવક મંડળ અને વાવડી ગણેશ મહોત્સવના નેજા હેઠળ ધૂળેટી અને ગણપતિ મહોત્સવ દરમ્યાન વર્ષમાં બે વખત અચૂક રકતદાન શિબિર યોજી હાલ પર્યંત કુલ ૨૬ રકતદાન શિબિર યોજી છે. ઈમર્જન્સીના સમયે અને કોવિડ -૧૯ દરમ્યાન રક્તદાતાને રકતદાન કેન્દ્ર સુધી લાવી ૨૦૦૦થી વધુ રક્ત યુનિટનો સહયોગ આપ્યો છે.

સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરીને ડબલ સેન્ચુરી ફટકારવાનો ધ્યેય છે
મિતેશભાઈ અને ભીખુભાઈ ભાવસારે જણાવ્યું કે, લોકોએ પોતાના કોઈ સ્પેશ્યિલ દિવસની સાથો સાથ દર ૩ મહિને સ્વૈચ્છીક રક્તદાન કરવાની આદત પાડવી જોઈએ તો રક્તદાતાના બ્લડની ક્વોલિટી પણ જળવાઈ રહે અને બ્લડ બેંકોમાં રક્તની અછતનો પ્રશ્ન પણ ન ઉભો થાય. અમે બંને શતક રક્તદાતા મિત્રોનું ધ્યેય ૬૫ વર્ષ સુધી અવિરત દર ત્રણ મહિને કે જરૂરતના સમયે સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થતાં રહી ડબલ સેન્ચુરી ફટકારવાનો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!