વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને માર્ગ સુરક્ષા સેમિનાર યોજાયો: માનવજીવન બહુ મૂલ્યવાન છે તેને વેડફવું નહીં અને સેવાના માધ્યમથી કાર્યરત રહેવા કલેકટરશ્રીએ શીખ આપી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ એસ. ટી. વિભાગીય કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ૨૦૨૫ અંતર્ગત અકસ્માતોને રોકવા માટે લેવામાં આવતા સલામતીના પગલા વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો હતો.

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી દવે દ્વારા એસ. ટી. નિગમે ‘‘સલામત સવારી, એસ. ટી. અમારી’’ સૂત્ર સાર્થક થતું હોવાની બાબત ઉપર ભાર મૂકી નિયમોનું પાલન કરવા સાથે માનવજીવન બહુ મૂલ્યવાન છે તેને નહીં વેડફવું અને સેવાના માધ્યમથી કાર્યરત રહેવા સમજ આપી માર્ગ સુરક્ષા માસની ઉજવણી ફ્ક્ત એક માસ માટે જ નહીં પરંતુ કાયમી ધોરણે ઉજવવાનું આહવાન કર્યુ હતું. જિલ્લા ઈન્ચાર્જ આરટીઓ અધિકારી નિકુંજ ગજેરા દ્વારા અકસ્માત બાબતે એસ. ટી. બસના ડ્રાયવરોને સજાગતા સાથે જીવનરક્ષાનું મહત્વ સમજાવ્યું સાથે અકસ્માતના કિસ્સામાં માનવ જીવનને બચાવવા અગ્રેસર રહેવા જણાવ્યું હતું.

એસટીના વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ઉજવવાનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે અને તે માટે ટ્રાફિક નિયમોનું પાલન કરી- કરાવીને જીવન સુરક્ષિત બનાવવાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે નિગમની કાર્ય પદ્ધતિ સાથે કર્મચારીઓ માટે થતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો રજુ કરી હતી. તાલીમબધ્ધ અનુસાશન યુક્ત સુશિક્ષિત કર્મચારીઓનું ઘડતર કરવાની બાબત ઉપર ભાર મુકી જીવનના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.

પોતાની ફરજ દરમ્યાન વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર ત્રણ કર્મચારીઓને તથા ચાલુ વર્ષે એકપણ અકસ્માત ન થવા અંગે આહવા ડેપોને કલેકટરશ્રીના હસ્તે શાલ ઓઢાડી, ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન આહવાના ડેપો મેનેજર કિશોરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ વિભાગીય યાંત્રિક ઇજનેર એન.એફ.સિંધીએ કરી હતી. આ કાર્યક્રમમાં વલસાડ એસટી વિભાગના છ ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ google મીટના માધ્યમથી વર્ચ્યુઅલ તેમજ વિભાગીય કચેરી તથા વિભાગીય યંત્રાલયના કર્મચારીઓ સહિત લગભગ ૬૫૦ કર્મચારીઓ પ્રત્યક્ષ જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!