ગુજરાત એલર્ટ | વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે વલસાડ જિલ્લામાં અનુક્રમે કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં જનજાતીય ગૌરવ દિવસ તા. ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજથી જ્યારે વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકામાં તા. ૨૨ નવેમ્બર ૨૦૨૩ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન થનાર છે જે સંદર્ભે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય, વોટર રીસોર્સીસ, રીવર ડેવલોપમેન્ટ એન્ડ ગંગા રીજ્યુવેનેશન વિભાગના ડાયરેક્ટર અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના વલસાડ જિલ્લાના પ્રભારીશ્રી લોકેશકુમાર જૈનના અધ્યક્ષસ્થાને યાત્રાની સમીક્ષા બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લા પ્રભારીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો પ્રજા સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે વલસાડ જિલ્લાના ૬ તાલુકાના ૩૮૫ ગામડાઓમાં તા. ૧૫ નવેમ્બર ૨૦૨૩થી તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધી રોજે રોજ આ યાત્રા પહોંચશે. જે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બનાવાયેલી સમિતિની કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે આઈટી પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા, મેનપાવર, વાનનું વિતરણ, રૂટ પ્લાન, નોડલ ઓફિસરોની નિમણૂક, યાત્રા ગામમાં પહોંચે ત્યારે કાર્યક્રમના આયોજન માટે સ્ટાફની ફાળવણી સહિતની વિગતો ચકાસી હતી. આ અભિયાનમાં સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીતે એન.એફ.એસ.એ. કાર્ડ અને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં જે લાભાર્થીઓ બાકી હોય તેમને આવરી લેવા અંગે જણાવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડ વિભાગના સંજય સોનીએ સ્વામીત્વ યોજના હેઠળ ગ્રામ પંચાયત કક્ષાએ પ્રોપર્ટી કાર્ડ વિતરણ અંગે માહિતી આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પટેલે જે ગામમાં યાત્રા પહોંચે ત્યાં હેલ્થ કેમ્પ, પીએમજેએવાય કાર્ડ વિતરણ, સિકલસેલ, ટીબી, એનસીડી સહિતની કામગીરી કરવામાં આવશે તે અંગે જિલ્લા પ્રભારીશ્રીને અવગત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારીયાએ આરટીઈ હેઠળ પ્રવેશ અને શિષ્યવૃત્તિ તેમજ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીત અને ડાન્સ તેમજ ‘ધરતી કરે પુકાર’ અંગે માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ નેનો યુરિયાનો વપરાશ, સબસિડી અને ડ્રોનની કામગીરી અંગે જિલ્લા પ્રભારીશ્રીને વાકેફ કર્યા હતા. આ સિવાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લીડ બેંક, નાબાર્ડ, મહિલા અને બાળ વિકાસ, આઈસીડીએસ, ખેતીવાડી, ટ્રાયબલ સબ પ્લાન સહિતની વિવિધ કચેરીઓની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
આ યાત્રાનો હેતુ સફળતાપૂર્વક સાર્થક થાય તે માટે જિલ્લા પ્રભારી લોકેશકુમારે જૈને જે અધિકારી કે કર્મચારીઓને કામગીરી ફાળવવામાં આવી હોય તેમના નામ પ્રમાણે ડ્યુટી વાઈઝ ઓર્ડર કરવા સૂચન કર્યુ હતું. આ સિવાય વિવિધ ખાતાઓને ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ સક્સેસ સ્ટોરી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ યાત્રા દરમિયાન ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે ખૂબ મહત્વનું જણાવી તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર ઉમેશ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, ડેપ્યુટી કલેકટર શ્વેતા પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.