ગુજરાત એલર્ટ | વલસાડ
નેશનલ હાઇવે પર આવેલા ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમમાં ૧૪ મી ફેબ્રુઆરીએ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન રાજરાજેશ્વર ગુરૂજીના પ્રેરણાથી સદ્દભાવના સંમેલન યોજાશે. જેમાં બ્રિટનનાં કિંગના પ્રતિનિધિ અને સ્કોટલેન્ડ પોલિસયાર્ડના હેડ સાયમન ઓવેન્સ ખાસ ઉપસ્થિત રહેશે.
વલસાડમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને શિવજી મહારાજે માહિતી આપતા કહ્યું હતું કે વાઘલધરાના “સદ્દભાવના સંમેલન”માં ઇંગ્લેન્ડથી આવનારા સાઈમન ઓવેન્સનું ભારતીય પરંપરા પ્રમાણે વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ નાગરિકો, યુ.કે, અમેરિકાથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહેશે. ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી એમ.કે.ચિસ્તીએ ભારતીય મૂળના ઋષિ સુનકને વડાપ્રધાનપદ મળવાનું આપણને ગૌરવ છે. આપણે આ કાર્યક્રમમાં “દેશ પહેલા” નો સંદેશ આપીશું એમ કહ્યું હતું.
ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમના અધિષ્ઠાતા રાજરાજેશ્વર ગુરૂજીની પ્રેરણાથી કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને શિવજી મહારાજએ આજે યોજેલી પત્રકાર પરિષદમાં ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી એમ.કે.ચિસ્તી, વ્હોરા સમાજના અગ્રણી મુસ્તાનશિર વ્હોરા અને બ્રહ્મસમાજના અગ્રણી પ્રતીક જોષી અને માક્ષિત રાજ્યગુરૂ ઉપસ્થિત રહ્યા હતા.
સદભાવના સંમેલનના આ કાર્યક્રમમાં ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શિવજી મહારાજ, સૂફી સંત એમ.કે.ચિસ્તી, કથાકાર પ્રફુલભાઈ શુક્લ, વ્હોરા સમાજ અને પારસી સમાજના ધર્મગુરુ ઉપસ્થિત રહેશે. સદભાવના સંમેલનના આ જાહેર કાર્યક્રમમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. કથાકાર પ્રફુલભાઈ શુકલએ દેશહિતમાં મોટી સંખ્યામાં હાજર રહેવા લોકોને અપીલ કરી છે.