જંત્રીમાં વધારાને કારણે જી.એસ.ટી., સ્ટેમ્પ ડયુટી, કેપીટલ ગેઈન ટેક્ષ વિગેરેમાં ધરખમ વધારો સમાન્ય પ્રજા ઉપર પડે છે: હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલ ૧૦૦% વધારો થતાં માર્કેટ વેલ્યુ કરતાં પણ વધારે જંત્રી થઈ જાય છે.
ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના વિશાળહિતમાં વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવીને જંત્રીના દરને તર્કસંગત બનાવવા વાસ્તવિક પરીસ્થિતિનું અવલોકન કરીને સાયન્ટીફીક રીતે જંત્રી તૈયાર કરી જનપ્રતિનિધિના સૂચનો મેળવ્યા બાદ જ જંત્રીનો અમલ કરાવવામાં આવે તેવી વલસાડ ડીસ્ટ્રીકટ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિયેશને વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
એસોસિયેશન દ્વારા આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ ગુજરાતના પ્રતિનિધિઓએ તા.૦૬.૦૨.૨૦૨૩ના રોજ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી જંત્રીના દરમાં કરાયેલાં અસહ્ય વધારા અંગે રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા જંત્રીના અમલ અંગે કોઈ પણ પ્રકારના સુધારા ફેરફાર કરવામાં આવ્યો નથી. જેને કારણે રાજ્યના મોટા શહેરો સિવાય તમામ નાના શહેરો, તાલુકાઓ, ગામડાઓને ઘણી જ અસર થશે.
જેથી નવી જંત્રીનો અમલ ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ૧ મે ૨૦૨૩થી કરવામાં આવે, સી.જી.ડી.સી.આર. મુજબ પેઈડ એફ.એસ.આઈ.માં જંત્રીના ૪૦%ના બદલે નવી જંત્રીના ૨૦% કરી આપવામાં આવે, નવી શરતમાંથી જુની શરતમાં જમીન ફેરવવા માટે પ્રિમિયમના દર જંત્રીના ૪૦%ના બદલે નવી જંત્રીના ૨૦% કરી આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. ઉપરાંત કોઈ પણ વિસ્તારની બજાર કીંમત નકકી કરવા માટે છેલ્લા ૩ વર્ષના વેચાણ વ્યવહારોને વેલ્યુ ઝોનવાઈઝ વહેચીને દરેક વેલ્યુ ઝોનની બજારકિંમત કાઢીને તે બજાર કીમતને જંત્રી વેલ્યુ તરીકે આખરી કરવી જોઈએ. એડહોક ૧૦૦%નો વધારો ન કરી સાયન્ટીફીક રીતે જંત્રી નક્કી કરવાં, રહેણાંક ફલેટ, દુકાનની જંત્રીમાં જુની જંત્રી ઉપર ફકત ૨૦% નો જ વધારો કરવા વિનંતી કરી છે.
જંત્રીમાં વધારાને કારણે જી.એસ.ટી., સ્ટેમ્પ ડયુટી, કેપીટલ ગેઈન ટેક્ષ વિગેરેમાં ધરખમ વધારો સમાન્ય પ્રજા ઉપર પડે છે. હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલ ૧૦૦% વધારો થતાં માર્કેટ વેલ્યુ કરતાં પણ વધારે જંત્રી થઈ જાય છે. જેથી રાજ્યના વિકાસ અને જનહિતમાં સરકાર દ્વારા જંત્રીના દરમાં કરેલાં વધારા અંગે પ્રજાલક્ષી સુધારો કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે.