ગુજરાત એલર્ટ । આહવા
ભારતીય સંસ્કૃતિ મુજબ રોશની અને પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળીને શુભ માનવામાં આવે છે અને રંગોળી દ્વારા ઘર તથા પરિવારમાં ખુશીનો માહોલ છવાય છે. ત્યારે ડાંગ જિલ્લામાં ઈ. એમ. આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા આજરોજ તા.12 ના રોજ 108 એમ્બ્યુલન્સ, એમ. એચ. યુ. તથા 181 અભયમ એમ્બ્યુલન્સ લોકેશન પર રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 108 એમ્બ્યુલન્સના 16 લોકેશન, એમ. એચ. યુ. ના 3 લોકેશન તથા 181 અભયમના કુલ 1 લોકેશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને દરેક પ્રોજેકટ વાઈઝ પ્રથમ અને દ્વિતીય વિજેતાઓને જિલ્લા સંચાલક વિજય ગામીત પ્રોજેકટ કોર્ડીનેટર નિમેષ પટેલ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશભાઈ પઢીયાર હાજર રહ્યા હતા.
સતત આકસ્મિક સેવામાં કાર્યરત રહેતા સ્ટાફ દ્વારા સમય કાઢીને રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ પ્રકારના મેસેજ આપતી રંગોળી પુરવામાં આવી હતી. આમ 108 સેવાના સ્ટાફ દ્વારા કાર્યની સાથે સાથે સમાજમાં જાગૃતિ આવે અને સંગઠનની ભાવના કેળવાય તે હેતુસર આ સ્પર્ધા દ્વારા સામાજિક સંદેશ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ ઉપરી અધિકારીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.