વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લા માટે ગૌરવાન્વિત સિદ્ધિ: દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે આગામી તા. ૬ એપ્રિલથી ૧૧ એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે જનાર છે, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા સાથે દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી છે, જેમાં લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતેના પ્રવાસ દરમ્યાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટાઘાટો થનાર છે તેમજ આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે આદરણીય રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે.
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને શિક્ષિત સાંસદોને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિદેશની ધરતી પર જનારા ભારત દેશના પ્રતિનિધિ મંડળમાં વલસાડ- ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લા માટે ગૌરવાન્વિત ક્ષણો લેખાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ સાંસદશ્રી ધવલભાઈ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળાની કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો, જેનાથી સંતુષ્ટ થઈ એમને પ્રોત્સાહિત કરવા આ વિશેષ જવાબદારી આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા સોંપવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!