કવિ મકરન્દ દવેના શતાબ્દિ વર્ષ નિમિત્તે વલસાડના નંદિગ્રામમાં કાર્યક્રમ યોજાયો

વલસાડ
ગુજરાતના મૂર્ધન્ય કવિ અને અધ્યાત્મપુરુષ સાંઇ મકરન્દ દવેનો જન્મ ૧૩મી નવેમ્બર, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૩મી નવેમ્બર, ૨૦૨૧ થી એમના શતાબ્દિ વર્ષનો પ્રારંભ થયો. આ નિમિત્તે નંદિગ્રામ ખાતે એક સરસ સમારંભનું આયોજન થયું. શતાબ્દિ વર્ષની પૂર્વસંધ્યાએ મકરન્દભાઇ સાથે બાળપણથી જોડાયેલા પ્રસિદ્ધ ભજનવિશારદ ડૉ.નિરંજનભાઇ રાજ્યગુરુએ એમના બુલંદ કંઠે મકરન્દભાઇના ગીતો અને ભજનોની રમઝટ બોલાવી સર્વશ્રોતાઓને ભાવવિભોર કરી મૂક્યા. ૧૩મી એ એમનો જન્મદિન. પ્રકૃતિના ખોળે વસેલા નંદિગ્રામના હ્રદયકુંજ સમાન ‘શેકિનાહ’માં પ્રાર્થના, ગીત, કુન્દનિકાબહેનની વાણી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. મકરન્દભાઇએ એમના સ્વહસ્તે સ્થાપેલી હનુમાનમઢી પર ધ્વજારોહણ બાદ મકરન્દભાઇના સમાધિ સ્થળ ‘સાધનતીર્થ’માં પ્રાર્થના, ગીત, શ્લોકગાન, મકરન્દભાઇની રેકોર્ડેડ વાણી અને ધ્યાનનું આયોજન હતું. ત્યારબાદ ‘સત્કૃતિ’ના પ્રાંગણમાં શ્રી રાજનભાઇ બ્રહ્મભટ્ટે ‘મકરન્દભાઇ મારી દ્રષ્ટિએ’ પર મનનીય પ્રવચન આપ્યું, તો ડૉ.રાજશેખર બ્રહ્મભટ્ટે મુંબઇમાં તેમના ડૉક્ટર તરીકેના મકરન્દભાઇ સાથેના વિશિષ્ટ સંબંધ અંગેના મધુર સ્મરણોની સરસ પ્રસ્તુતિ કરી. નંદિગ્રામના આરંભના દિવસો પર ખ્યાતનામ લેખિકા હિમાંશીબહેનના લેખિત સંદેશના વાંચન બાદ શ્રી નિરંજનભાઇ રાજ્યગુરુએ ગોંડલના મકરન્દભાઇના સ્મરણોની ભાવસભર રજૂઆત કરી નંદિગ્રામમાં જાણે કે ગોંડલની ‘સ્મૃતિ’નો માહોલ ખડો કરી દીધો. આ પ્રસંગે પ્રભાતની પ્રાર્થના પછી મકરન્દભાઇ જે અધ્યાત્મવિષયક વાતો કરતા તેના રેકોર્ડિંગના આધારે તૈયાર થયેલ ‘પ્રભાતગોષ્ઠિ’ પુસ્તકનો અનાવરણ વિધિ પણ સંપન્ન થયો. સમગ્ર શતાબ્દિ વર્ષ દરમ્યાન મકરન્દભાઇ તથા કુન્દનિકાબહેન વચ્ચેના પત્રવ્યવહારનું પુસ્તક, મકરન્દભાઇની ૧૦૮ ચૂંટેલી કાવ્યરચનાઓના રસદર્શનનું પુસ્તક તથા પ્રસિદ્ધ વેદાંતગ્રંથ ‘દ્રગદ્રશ્યવિવેક’ પર તેમણે લીધેલી શિબિરના આધારે તૈયાર થયેલ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું આયોજન છે. ભારતીય દર્શનનું સૂક્ષ્મ અને સત્ય અર્થઘટન તે પૂ.મકરન્દભાઇની મૌલિકતા હતી, જે એમના પદ્ય અને ગદ્ય સાહિત્યમાં છલકાય છે. પૂ.મકરન્દભાઇના આવા અર્થસભર સાહિત્ય વિશે ગોષ્ઠિઓ તથા જાહેર કાર્યક્રમો પણ વખતોવખત યોજાતાં રહેશે, અને આ રીતે ‘સાંઇ’ના પુનિત સ્મરણ દ્વારા આપણે સહુ પાવન થતા રહીશું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!