ગુજરાત એલર્ટ | વલસાડ
નેપાળના પોખરા ખાતે ઇન્ડો- નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો. વલસાડના પારડી સાંઢપોર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડેએ પાવર લિફટિંગ રમતમાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિવાય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા પર્યાવરણની સુરક્ષા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ પણ મેઘાબેને કરી હતી. સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
આ અગાઉ પણ મેઘાબેને વલસાડ, પૂના, જયપુર અને દિલ્હીમાં યોજાયેલી પાવર લિફટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અનેક મેડલો મેળવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે પણ સારી કામગીરી કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. મેઘાબેનને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળેલી સિદ્ધિને શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો તેમજ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સમગ્ર શિક્ષણ સમાજે મેઘાબેન માટે ગર્વની લાગણી અનુભવી હતી.