વલસાડ જિલ્લાની ૩ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩ બેઠકો પર ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામમાં તાલુકા પંચાયતની સરીગામ-૨ અને ફણસા-૧ તેમજ કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક પર તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર હોય મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેકટરશ્રી નૈમષ દવેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રીએ ત્રણેય પાલિકા અને તાલુકા પંચાયતની બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે, વલસાડ પાલિકામાં વોર્ડ નં. ૧ થી ૧૧માં કુલ ૪૪ બેઠકો પૈકી ૭ બેઠકો બિનહરીફ થતા બાકી રહેતી ૩૭ બેઠકો માટે મતદાન થશે. બિનહરીફ થયેલી બેઠકોમાં વોર્ડ નં. ૮ની ૪ બેઠકો, વોર્ડ નં. ૯ની ૧ અને વોર્ડ નં. ૧૦ ની ૨ બેઠકો મળી કુલ ૭ બેઠક બિનહરીફ થઈ છે. પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૯૮૪૬૭ મતદારો ૧૦૫ ઉમેદવારો માટે કુલ ૧૦૦ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શકશે. જે પૈકી ૨૧ સંવેદનશીલ મતદાન મથકો છે. પાલિકાની ચૂંટણીમાં મતદારે કુલ ૪ મત આપવાના થાય છે. પરંતુ વોર્ડ નં. ૯માં ૧ બેઠક બિનહરિફ થયેલી હોવાથી આ વોર્ડના મતદારે ૩ મત આપવાના થાય છે. વોર્ડ નં. ૧૦માં બે બેઠક બિનહરિફ થતા આ વોર્ડના મતદારે બે મત આપવાના થાય છે. ચૂંટણીનું રીસીવીંગ અને ડીસ્પેચિંગ સેન્ટર બાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યુ છે. મતગણતરી તા. ૧૮ ફેબ્રુઆરી ના રોજ સવારે ૯ કલાકે આવાબાઈ સ્કૂલના વાડીયા હોલમાં હાથ ધરાશે.
પારડી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ થી ૭ માં કુલ ૨૮ બેઠકો પૈકી ૧ બેઠક બિનહરીફ થતા બાકી રહેતી ૨૭ બેઠકો માટે ૩૨ મતદાન મથકો પર કુલ ૨૪૧૪૯ મતદારો મતદાન કરશે. કુલ ૫૮ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. ૧૨ મતદાન મથકો સંવેદનશીલ છે. મતદારે કુલ ૪ મત આપવાના થાય છે પરંતુ વોર્ડ નં. ૨માં એક બેઠક બિનહરિફ થતા આ વોર્ડના મતદારોએ અધિક્તમ ૩ મત આપવાના રહે છે. પારડી પાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે થશે.
ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ થી ૬ માં ૨૪ બેઠકો માટે ૨૩ મતદાન મથક પર ૨૦૬૫૪ મતદારો મતદાન કરશે. પાંચ મતદાન મથક સંવેદનશીલ છે. ૪૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ચૂંટણીનું રીસીવીંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ધરમપુર મામલતદાર કચેરીમાં ત્રીજા માળે રાખવામાં આવ્યુ છે. મતગણતરી પણ સવારે ૯ કલાકે આ જ સ્થળે હાથ ધરાશે. ધરમપુર પાલિકાની ચૂંટણીમાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી જેથી કુલ ૨૪ બેઠકો પર ખરાખરીનો જંગ જામશે.
ઉમરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફણસા-૧ માં ૮ મતદાન મથક છે જે પૈકી ૨ સંવેદનશીલ છે. આ બેઠક પર ૭૭૮૦ મતદારો છે. જ્યારે સરીગામ-૨ બેઠક પર ૬ મતદાન મથક છે. જે પૈકી પાંચ સંવેદનશીલ છે. આ બેઠક પર કુલ ૬૬૭૧ મતદારો છે. ચૂંટણીનું રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર પીએમશ્રી કુમારશાળા ખાતે રાખવામાં આવ્યુ છે. મતગણતરી આ જ શાળા ખાતે હાથ ધરાશે.

કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક પર ૧૦ મતદાન મથકો પૈકી ૩ સંવેદનશીલ છે. આ બેઠકમાં સમાવિષ્ટ રાહોર, કાસટવેરી, પીપરોટી, ચીચપાડા, માની, બોરપાડા, ટોકરપાડા, ઘોટણ અને ફળી ગામના કુલ ૭૧૨૩ મતદારો ૩ ઉમેદવારો માટે મતદાન કરશે. ચૂંટણીનું રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર કપરાડા મામલતદાર કચેરી ખાતે પહેલા માળે સભાખંડમાં રાખવામાં આવ્યુ છે. મતગણતરી પણ આ જ સ્થળે થશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતાબેન પટેલ, વલસાડ પાલિકાની ચૂંટણી માટે વોર્ડ ૧ થી ૭ના ચૂંટણી અધિકારી -વ- વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, ૮ થી ૧૧ વોર્ડના ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, ધરમપુર પાલિકા અને કપરાડાની ઘોટણ બેઠકના ચૂંટણી અધિકારી –વ- ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, પારડી પાલિકા અને ઉમરગામ તા.પં.ની ફણસા-સરીગામ બેઠકના ચૂંટણી અધિકારી –વ- પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા તેમજ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૮૯૦ પોલીંગ અને ૩૪૬ પોલીસ સ્ટાફ તૈનાત કરાશે, ૪૯૦ બી.યુ. અને ૨૬૪ સી.યુ. ફાળવાયા
વલસાડ પાલિકા ચૂંટણીમાં પોલીંગ સ્ટાફની કુલ સંખ્યા ૪૪૦ છે જેમને ૩ તાલીમ આપવામાં આવી છે. પોલીસ સ્ટાફની સંખ્યા ૧૯૦ છે. ચૂંટણી માટે ૨૯૦ બી.યુ. અને ૧૪૫ સી.યુ. ફાળવવામાં આવ્યા છે. પારડી પાલિકાની ચૂંટણીમાં પોલીંગ સ્ટાફની સંખ્યા ૧૭૫ છે જેમને પણ ૩ તાલીમ આપવામાં આવી છે. પોલીસ સ્ટાફની સંખ્યા ૫૭ છે. ચૂંટણી માટે ૯૦ બી.યુ. અને ૪૫ સી.યુ. ફાળવવામાં આવ્યા છે. ધરમપુર પાલિકાની ચૂંટણીમાં પોલીંગ સ્ટાફની કુલ સંખ્યા ૧૨૫ અને પોલીસ સ્ટાફની સંખ્યા ૫૦ છે. ચૂંટણી માટે ૭૨ બી.યુ. અને ૩૬ સી.યુ. ફાળવવામાં આવ્યા છે. ઉમરગામની ફણસા-૧ બેઠક માટે ૧૩ બી.યુ. અને ૧૩ સી.યુ. જ્યારે સરીગામ-૨ બેઠક માટે ૯ બી.યુ. અને ૯ સી.યુ. ફાળવવામાં આવ્યા છે. ૯૦ પોલીંગ સ્ટાફ અને ૨૭ પોલીસ સ્ટાફ છે. કપરાડાની ઘોટણ બેઠક માટે ૬૦ પોલીંગ સ્ટાફ અને ૨૨ પોલીસ સ્ટાફ ફાળવાયો છે. ૧૬ બી.યુ. અને ૧૬ સી.યુ. ફાળવવામાં આવ્યા છે.

ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં ૩.૭૧ કરોડના દારૂ સાથે ૪૬૫ આરોપીની અટક : જિલ્લામાં પોલીસ, હોમગાર્ડ અને એસઆરપી મળી કુલ ૮૫૪ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ ચૂંટણી અનુસંધાને પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધીમાં પ્રોહિબીશનના ૧૯૪ કેસ કરી ૬૦૧ ઈસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાયા છે. ૭ ઈસમો વિરૂધ્ધ તડીપાર અને ૬ ઈસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
દારૂના અડ્ડા પર રેડ પાડી ૪૫૨ કેસ કરી દારૂ સાથે કુલ રૂ. ૩,૭૧,૩૯,૯૬૯ ના મુદ્દામાલ સાથે ૪૬૫ આરોપીઓની અટક કરાઈ છે. એનડીપીએસના ૫ ગુના શોધી કાઢી રૂ. ૫૧૨૯૦નો ગાંજો કબજે કરવામાં આવ્યો છે. મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે ૧૨ ફલેગ માર્ચ, ૫૩ ફૂટ પેટ્રોલિંગ અને ૩ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ૧૩૪ પરવાનાવાળા હથિયાર જમા લેવાયા છે. નાસતા ફરતા ૨૨ આરોપીને પકડી લેવાયા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ૩ ડીવાયએસપી, ૧૫ પીઆઈ, ૩૨ પીએસઆઈ, ૨૨૩ પોલીસ, ૪૨૮ હોમગાર્ડ અને ૪૪ એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!